યાત્રાધામ ડાકોર મંદિરનાં દ્વાર આવતી કાલથી ખુલશે
- આખરે ભાવિક ભક્તોના ઇન્તજારનો અંત : માત્ર સ્થાનિક રહિશોને દર્શનનો લાભ મળશે
- સવારે ૬.૨૦ કલાકે મંદિર ખુલશે : દર્શનાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સ માટે કુંડાળામાં જ ઉભા રહીને આગળ વધવાનું રહેશે
નડિયાદ, તા.16 જૂન 2020, મંગળવાર
સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર આગામી તા. ૧૮ જુનથી સ્થાનિક શ્રધ્ધાળુઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. સરકારની ગાઈડલાઈન અનુસાર અને નીતિનિયમો મુજબ મંદિર ખુલશે. જ્યારે જીલ્લા અધિક કલેક્ટરે ડાકોરના કેટલાંક વિસ્તારોમાં અવરજવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે.
ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યુ છે કે સરકારની ગાઈડલાઈન અનુસાર રણછોડરાયજી મદિર આગામી તા. ૧૮-૬-૨૦ થી ખુલ્લું મુકવામાં આવશે. આ માટે દર્શન કરવા યાત્રાળુઓએ વેબસાઈટ www. ranchhodraiji. org. in પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ સિવાય યાત્રાળુઓ મોબાઈલ એપ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. તેનો ટોકન નંબર રજીસ્ટર્ડ મોબાઈલમાં મેસેજ દ્વારા મોકલવામાં આવશે. જે દર્શન સમયે બતાવવાનો રહેશે. આ ઉપરાંત આગામી તા. ૧૮ જુનથી ૨૩ જુન સુધી ફક્ત ડાકોરના સ્થાનિક લોકો માટે જ દર્શન ખોલવામાં આવશે. તેમાં ઓનલાઈન બુકિંગ અથવા આધારકાર્ડ બતાવવાથી મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ યાત્રાળુઓએ આધારકાર્ડ સાથે લાવવાનું રહેશે.
આ ઉપરાંત મંદિરનો આરતીનો સમય, રવિવાર,પૂનમ, તહેવારો, ઉત્સવો, ગ્રહણના દિવસે વૈષ્ણવોનો મંદિર પ્રવેશ બંધ રહેશે. મંદિરમાં ફુલ, તુલસી, શ્રીફળ, માળા, પ્રસાદ જેવી ચીજવસ્તુઓ લઈને પ્રવેશ કરવો નહી તેમ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત સરકારની ગાઈડલાઈન અનુસાર સોશિયલ ડિસ્ટન્સ માટે કરવામાં આવેલા કુંડાળામાં જ ઉભા રહીને આગળ વધવાનું રહેશે, મંદિરમાં પ્રવેશ પહેલાં ટેમ્પ્રેચર માપવામાં આવશે. ઉપરાંત બીમાર વ્યક્તિને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. મંદિરમાં પ્રવેશતાં પહેલાં હાથ સેનેટાઈઝ કરવાના રહેશે, અને માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે, આ ઉપરાંત ૬૫ વર્ષથી ઉપરના વયોવૃધ્ધ તેમજ ૧૦ વર્ષથી નાના બાળકો ,સગર્ભા બહેનો, દિવ્યાંગ (વ્હીલચેરવાળા), વૈષ્ણવોને સાથે નહીં લાવવા અપીલ કરી છે. મંદિરમાં પગરખાં પહેરીને દર્શન કરવા ન આવવા જણાવ્યું છે. પગરખાં વાહનોમાં કે અન્ય સ્થળે મુકીને દર્શન કરવા માટે આવવા જણાવ્યું છે.
ડાકોરમાં કેટલાંક વિસ્તારોમાં અવરજવર માટે પ્રતિબંધ
નડિયાદ, તા.16 જૂન 2020, મંગળવાર
ડાકોરમાં કેટલાક વિસ્તારોમાં વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. જેમાં બોડાણા સ્ટેચ્યુથી રણછોડરાયજી મંદિર તરફ જતો રોડ (બોડાણા સ્ટેચ્યુ પાસેના આડશના ભાગ પાસે), વિજ્યાભુવન ધર્મશાળા નજીક, સુનિલ હોઝીયરી દુકાન પાસે, બેંક બરોડા પાસે, શ્રીજી ખમણ હાઉસથી રોકડનાથ હનુમાનજી વચ્ચેનો ભાગ, નિલેશ રેડીમેડ સ્ટોર્સથી મારુતિ કંગન સ્ટોર્સ સુધી (વડાબજાર તરફનો રસ્તો), દ્વારકાધીશ મંદિરની જમણી બાજુ (ગણેશ સિનેમા તરફ જતો વાંટા રોડ), દ્વારકાધીશ મંદિરની ડાબી બાજુ (શ્રીરણછોડરાયજી મંદિરના પૂર્વ દરવાજા તરફ જતો શહિદપોળ રોડ), એનકે ટી સ્ટોલથી જબુકા નગોડ દુકાનની વચ્ચેનો ભાગ (લક્ષ્મીજી મંદિર રોડ કાપડબજાર), સાંઈરામ પાન હાઉસથી મગનલાલ વલ્લભદાસ ગોટાવાલાની દુકાન વચ્ચેનો ભાગ (અંબાવાડી રોડ),અપવાદ રૃપે સરકારી વાહનો, ફાયરબ્રિગેડના વાહનો, એમ્બ્યુલન્સ વાનને લાગુ પડશે નહિં.
વડતાલનું સ્વામીનારાયણ મંદિર આગામી ૧૭ જૂનથી નહીં ખુલી
નડિયાદ, તા.16 જૂન 2020, મંગળવાર
સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ મંદિર વડતાલ આગામી ૧૭ જુનથી ખોલવામાં નહિં આવે તેમ મંદિરની એક અખબારી યાદીમાં જણાવ્યું છે. જ્યારે વડતાલ તાબાના હરિમંદિરો આગામી ૧૭ જુનથી ખુલશે તેમ જણાવ્યું છે.
હાલ ગુજરાતમાં કોરોનાના વધતા જતા સંક્રમણને તથા સરકારની ગાઈડલાઈનના નિયમોને ધ્યાને લઈ વડતાલ મંદિર તથા તાબાના શિખરબધ્ધ મંદિરો તા. ૧૭ જુનના રોજ દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે તેમ જણાવ્યુંહતું. પરંતુ તેમાં વિશેષ સુધારો કરવામાં આવ્યો છે. વડતાલ મંદિર તા. ૧૭ જુનના રોજ ખોલવામાં આવશે નહી પરંતુ આ અંગે તા. ૨૫ જુન સુધીમાં દર્શન માટે મંદિર ખોલવાની માહિતી આપવામાં આવશે. વધુમાં વડતાલ મંદિર તાબાના શિખરબધ્ધ તેમજ હરિમંદિરો તા. ૧૭ જુનથી પોતાના વિસ્તારની કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઈ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝની વ્યવસ્થા સાથે ફક્ત દર્શન માટે ખોલી શકાશે. જ્યારે ભોજનાલય તથા ઉતારા વિભાગ બંધ રહેશે તેમ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનની અખબારી યાદીમાં જણાવ્યું છે.