ડાકોરના રણછોડરાય મંદિરના દ્વાર આજથી નહીં ખૂલે : તંત્રએ સમય માંગ્યો
- ગુજરાતના અન્ય તીર્થસ્થળો ખોલવાની જાહેરાત પણ
- ટેમ્પલ કમિટી અને સ્થાનિક તંત્રની બેઠક યોજાઈ તૈયારી બાદ જ દર્શન માટે મંદિર ખોલવામાં આવશે
નડિયાદ, તા.7 જૂન 2020, રવિવાર
ખેડા જિલ્લામાં લોકડાઉનને હળવું કરવા અંશતઃ અનલોક જાહેર કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આગામી તારીખમાં સુપ્રસિધ્ધ યાત્રાધામોના મંદિરો ખુલે તેવી સંભાવનાઓ સેવવામાં આવી હતી.પરંતુ ડાકોર ટેમ્પલ કમિટી અને સ્થાનિક પ્રસાશનના સંકલનના અભાવના કારણે મંદિર આજરોજ નહી ખુલ્લે તેવી જાહેરાત કરવામાં આવી છે.
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાઘામ ડાકોર આગામી તારીખોમાં ખુલશે તેવી સંભાવના શ્રધ્ધાળુઓ સેવી રહ્યા હતા.જો કે આજરોજ ટેમ્પલ કમિટી અને સ્થાનિક પ્રશાસનની આજે એક મિટીંગ યોજાઇ હતી.જ્યારે ટેમ્પલ બોર્ડ દ્વારા સોશિયલ ડિસ્ટન્સીંગ માટે કુંડાળા દોરવામાં આવ્યા હતા.પરંતુ આજરોજ યોજાયેલ મિટીંગમાં સ્થાનિક પ્રશાસન દ્વારા તૈયારીઓ માટે સમય માંગવામાં આવ્યો છે.જેથી આજે ડાકોર મંદિર ખુલવાની ચર્ચાતી અટકળો પર પૂર્ણવિરામ મૂકાઇ ગયો છે.આવનાર સમયમાં સ્થાનિક પ્રશાસન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવે તો યાત્રાળુઓ માટે મંદિર ખુલે તેવી સંભાવના સેવાઇ રહી છે.
જો કે હવે જોવુ રહ્યુ કે પ્રસાશન દ્વારા ક્યારે મંદિર ખોલવામાં આવે છે.