Get The App

નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં સરેરાશ અઢી ઇંચ વરસાદ ખાબક્યો

- માતર 77, વસો 60 મી.મી. સહિત તમામ તાલુકામાં માર્ગો, તળાવો અને ગરનાળાં જળબંબાકાર થઈ ગયા : કેટલાક સ્થળે વૃક્ષો પડયા તો ક્યાંક અંધારપટ છવાયો

Updated: Jun 13th, 2020

GS TEAM

Google News
Google News
નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં સરેરાશ અઢી ઇંચ વરસાદ ખાબક્યો 1 - image


નડિયાદ, તા.13 જૂન 2020, શનિવાર

ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ શહેર ઉપરાંત અનેક તાલુકા મથકોમાં વાવાઝોડા સાથેનો તોફાની વરસાદ આવ્યો હતો. નડિયાદમાં રાત્રે એક જ કલાકમાં ૧ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કપડવંજ અને ખેડામાં એક ઇંચ, મહુધા અને મહેમદાવાદમાં સવા ઇંચ, માતર અને વસોમાં ર ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસ્યો છે. જિલ્લાના દશ તાલુકાઓમાં અડધાથી અઢી ઇંચ સુધીનો સરેરાશ વરસાદ પડયો છે. 

આજની તારીખે ગત્ વર્ષ કરતા જિલ્લામાં ત્રણ ગણો વરસાદ પડી ચૂક્યો છે. ગત્ રાત્રે અડધો કલાક સુધી ચાલેલા વાવાઝોડાને કારણે જિલ્લાવાસીઓને ગરમીમાં આંશિક રાહત મળી છે, પરંતુ ક્યાંક જાહેર માર્ગો ઉપર ઝાડ પડયા છે, તો ઘણાં વિસ્તારોમાં  વિજળી પણ ડૂલ થઇ છે.

ખેડા જિલ્લામાં ગતમોડી રાત્રે નડિયાદ સહિત કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ પડયો હતો. વિજળીના ભયંકર કડાકા અને વાદળના ગડગડાટથી વાતાવરણ ગંભીર બન્યું હતું.  જીલ્લામાં વિધિવત્ ચોમાસાનો પ્રારંભ થયો હોય તેમ લગભગ દરરોજ મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડે છે.જિલ્લાના દસ તાલુકાઓ પૈકી  સૌથી વધુ ૭૭મીમી એટલે કે ૩ ઇંચ જેટલો વરસાદ તાલુકા મથક માતર ખાતે નોંધાયો છે. જ્યારે વસોમાં  ૬૦ મીમી વરસાદ ખાબક્યો છે. સૌથી ઓછો પ મીમી ઠાસરામાં અને કઠલાલમાં ૧૬ મીમી નોંધાયો છે. 

નડિયાદ શહેરમાં કાલે રાત્રે સાડા સાત વાગ્યાના સુમારે ભારે પવન ફૂંકાયો હતો. અને વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા. અડધો કલાક સુધી પવનની અફડાતફડી ચાલ્યા બાદ ગાજવીજ સાથેનો વરસાદ સતત એક કલાક સુધી પડયો હતો. અત્યારસુધીમાં નડિયાદમાં આ સીઝનમાં ૧૩૮ મીમી  વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે ગઇકાલે એક જ કલાકમાં ૨૭ મીમી પડતા નડિયાદમાં ૧૬૫ મીમી વરસાદ નોંધાઇ ચૂક્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારો અને ગરનાળાઓ તો રાત્રે જ ભરાઇ ગયા હતા. જેમાં ડભાણ ભાગોળ, વિકેવી રોડ, નાના કુંભનાથ રોડ, માઇમંદિર, રેલ્વે ગરનાળું, ખોડિયાર ગરનાળુ વગેરે વરસાદ પડવાની સાથે જ જળબંબાકાર બન્યા હતા. જો કે વહેલી સવારે આ વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા હતા. જેથી સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નડિયાદ શહેરના મૂળેશ્વર તલાવડીનું પાણી સ્થાનિક રહીશોના ઘરમાં પ્રવેશ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જીલ્લામાં સતત બે દિવસથી પડતા અવિરત વરસાદના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તલાવડીનું પાણી ઓવરફ્લો થતાં પાણી સ્થાનિક રહીશોના ઘરમાં પ્રવેશ્યું હતું. જેના કારણે સ્થાનિકોને ઘુંટણસમા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટરે જણાવ્યું હતું કે આ અંગેની કાર્યવાહી ચાલુ જ હતી પરંતુ કોરોના મહામારીના કારણે કામ બંધ રહેતા આ મુશ્કેલી સર્જાઈ છે. ગત્ રાત્રે પડેલા ભારે વરસાદના કારણે સેવાલીયામાં કેટલાક  સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સર્જાઈ હતી. જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. 

ભારે પવન સાથે વરસાદ વરસતા વીજળી ડૂલ થઈ ગઈ હતી. આ ઉપરાંત પવન સાથે વરસાદ વરસતો હોવાને કારણે કોઈ વાયર તૂટી ગયેલ હોય તો ગંભીર અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.

ગળતેશ્વર તાલુકામાં ગત રોજ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. આ વરસાદના કારણે ખેતરોમાં કાપેલી ઉનાળુ બાજરીનો પાક પલળી ગયો હતો. જેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ઠાસરાના બળીયાદેવથી હાડમતીયા નેશનલ હાઈવેને જોડતા રસ્તા પર આવેલ સરકારી આઈટીઆઈ પાસે એક બાવળનું વૃક્ષ ધરાશાયી થયું હતું. જેના કારણે રસ્તો સદંતર બંધ થઈ ગયો હતો.

Tags :