Get The App

ડાકોર પાલિકાના ચીફ ઓફિસરની 3 મહિનામાં બદલી કરી દેવાઈ

Updated: Jul 23rd, 2024

GS TEAM

Google News
Google News
ડાકોર પાલિકાના ચીફ ઓફિસરની 3 મહિનામાં બદલી કરી દેવાઈ 1 - image

- ડાકોર પાલિકા ફરી ધણીધોરી વગરની બની

- ફરિયાદોના પગલે વાય.જે. ગણાત્રાની ખંભાત ટ્રાન્સફર કરાઇ, યોગ્ય નિર્ણય લે તેવા અધિકારી મૂકવા માંગણી

ડાકોર : ડાકોર નગરપાલિકામાં નિમણૂક પામેલા ચીફ ઓફિસરની ત્રણ મહિનામાં જ ખંભાત બદલી કરી દેવામાં આવી છે. ત્યારે ખૂબ જ ટૂંકા ગાળામાં પાલિકામાં ચીફ ઓફિસર બદલાઈ જતા ડાકોરવાસીઓની સમસ્યાઓ હલ થવાના બદલે વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ડાકોર નગરપાલિકા ફરીથી ધણીધોરી વગરની બની ગઈ છે. ત્યારે યોગ્ય નિર્ણય લઈ શકે તેવા અધિકારીની નિમણૂક ડાકોરમાં થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

ડાકોરવાસીઓને છેલ્લા ૩ વર્ષથી પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારવા પડતા હતા. જે અંગેની રજૂઆતો સરકાર સુધી કરાતા ચીફ ઓફિસ સંજય પટેલની બદલી કરીને ડાકોરના ચીફ ઓફિસ તરીકે વાય.જે. ગણાત્રાની નિમણૂકનો હુકમ કરાયો હતો. પરંતુ ચીફ ઓફિસ વાય.જે. ગણાત્રાની કામગીરી બાબતે સરકારમાં અગાઉથી ફરિયાદો તો હતી જ. બાદમાં ડાકોરના નગરજનો પણ તેમની કામગીરીથી સંતુષ્ઠ ન થતા તેમના વિરૂદ્ધ પણ રજૂઆતો કર્યા બાદ ત્રણ મહિનામાં જ ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરની ખંભાત બદલી થઈ ગઈ છે. 

ત્યારે ફરી ડાકોર નગરપાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા ખાલી પડતા ડાકોર નગર ધણીધોરી વગરનું બન્યું છે. 

ડાકોરમાં છેલ્લા ઘણા સમયથી રોડ, પાણી- ગટર જેવી પાયાની સુવિધાઓની ફરિયાદોનો ઉકેલ ક્યારે આવશે તેવા પ્રશ્નો સ્થાનિકો કરી રહ્યા છે. 

આ બાબતે ડાકોર નગરના શહેર પ્રમુખ રાકેશભાઈ તંબોડીએ જણાવ્યું હતું કે, અમો સરકારમાં રજૂઆત કરી કોઈ યોગ્ય અને અનુભવી ચીફ ઓફિસરની માંગણી કરી ડાકોરની પાયાની સુવિધાઓના પ્રશ્નોનું નિરાકરણ કરીશું. ત્યારે સુવિધાથી વંચિત ડાકોરમાં કોઈ ઉત્તમ અને યોગ્ય નિર્ણયો લઈ શકે તેવા અધિકારીની નિમણૂક કરાય તેવી ડાકોરના નગરજનોમાં માંગણી ઉઠી રહી છે.