Get The App

મુખ્યમંત્રીએ સરદાર પટેલના જન્મસ્થળ અને સંતરામ મંદિરની મુલાકાત લીધી

Updated: Aug 15th, 2024

GS TEAM

Google News
Google News
મુખ્યમંત્રીએ સરદાર પટેલના જન્મસ્થળ અને સંતરામ મંદિરની મુલાકાત લીધી 1 - image

- નડિયાદમાં આજે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાશે

- સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખેડા જિલ્લા સહિત સમગ્ર ચરોતર અગ્રદૂત હતો : રાજ્યપાલ

નડિયાદ : ગુજરાતના મુખ્યમંત્રી બુધવારે ૧૪ ઓગસ્ટ ૨૦૨૪, ૭૮માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આયોજીત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા બપોરે નડીયાદ પહોચ્યા હતા. તેઓએ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થાને જઈને સરદાર સાહેબને આદરાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરની મુલાકાત લઈ સંતરામ મહારાજની સમાધિ સ્થાનકના દર્શન કર્યા હતા.અખંડ જ્યોત સમક્ષ મંગલ કામના કરી હતી. હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત પણ લઈ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સાથે પણ મુલાકાત કરી હતી.

આજે ૧૫ ઓગસ્ટે નડિયાદમાં રાજ્યકક્ષાનો સ્વાતંત્રતા પર્વ ઉજવાશે.  સંતરામ મંદિરના સંત શ્રી નિર્ગુણ દાસ મહારાજ મુખ્યમંત્રીને આવકારી સમાધિ સ્થાને લઈ ગયા હતા. આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી નડિયાદના હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હિન્દુ અનાથ આશ્રમના પ્રમુખ દિનશા પટેલે અને ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીને આશ્રમ ખાતે આવકાર્યા હતા. તેમણે મ્યુઝિયમની મુલાકાત લઈ ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું. મુખ્યમંત્રીએ આશ્રમમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે ખેડાના સાંસદ, ધારાસભ્યો સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નડિયાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'એટ હામ' સમારોહ દરમ્યાન પ્રબુદ્ધ નાગરિકો સાથે મુલાકાત કરી શુભેચ્છાઓની આપ-લે કરી હતી. રાજ્યપાલ અને મુખ્યમંત્રી અરેરાના ૧૦૨ વર્ષના સ્વાતંત્ર્ય સેનાની કેસરીસિંહ પરમારને મળ્યા હતા અને તેમના ખબર-અંતર પુછ્યા હતા.

રાજ્યપાલએ જણાવ્યું કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખેડા જિલ્લા સહિત સમગ્ર ચરોતર અગ્રદૂત હતો. આ ભૂમિએ સાક્ષરો, સંતો અને સ્વાતંત્ર વીરોની મહામૂલી ભેટ દેશને આપી છે. સમગ્ર દેશને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે, તો રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, ઇન્દુલાલ યાજ્ઞિાક જેવા કર્મવીરો આ માટીમાંથી મળ્યા છે તેમ જણાવી તેમણે સ્વાતંર્ત્ય સેનાનીઓનું પૂણ્ય સ્મરણ કર્યું હતું.