યાત્રાધામ ડાકોરમાં સતત 29 દિવસ હિંડોળા ઉત્સવ ઉજવાશે
- રોજ ગોપાલલાલજીનો હિંડોળે ઝૂલાવાશે ગુજરાતના ભક્તો દર્શનનો લાભ લઈ શકશે
નડિયાદ, તા. 7 જુલાઈ 2020, મંગળવાર
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજથી હિંડોળા ઉત્સવ ઉજવાશે. જેની સતત ૨૯ દિવસ સુધી વિવિધ પ્રકારના હિંડોળામાં ગોપાલલાલજીને ઝુલાવીને ઉજવણી કરવામાં આવશે.
યાત્રાધામ ડાકોર શ્રી રણછોડરાયજી મંદિર ખાતે આજથી ૨૯ દિવસ સુધી ગોપાલલાલજી ઉસ્થાપન આરતી પછી હિંડોળે બીરાજશે. દરરોજ અલગ અલગ હિંડોળા પર ગોપાલલાલજીને ઝુલાવવામાં આવશે. જેમાં કેવડો, ફુલો, કાચનો ડોલર, ફ્રુટ ડ્રાયફ્રુટ જેવા ઘણા બધા હિંડોળાઓ પર ઠાકોરજીના બાળસ્વરૃપ ગોપાલલાલજીને બિરાજમાન કરાવવામાં આવશે. જે દર્શનનો લાભ ગુજરાતના લોકો લઈ શકશે.
કોરોના વાઈરસને કારણે આ વર્ષે મોટા હિંડોળાના દર્શનનો લાભ નહી મળે. અગાઉના વરસોમાં મંદિર પરિસરના ઓટલા ઉપર મોટા હિંડોળા ઉત્સવ કરવામાં આવતો હતો જે વૈષ્ણવો દ્વારા હિંડોળા ભરાવવામાં આવતા હતા અને મંદિર ભક્તોથી છલકાઈ જતું હતું તે બધા ઉત્સવ આ વર્ષે નહીંઉજવાય. કારણ કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૃરી હોવાથી મોટા ઉત્સવ નહીં ઉજવાય.