ખેડામાં અંગ્રેજો વખતની સિવિલ હોસ્પિટલનું મકાન તોડી પડાયું
- 1873 માં માત્ર રૂા. 29,480 જેટલી માતબર રકમમાં તૈયાર થયેલું
- આધુનિક સુવિધા સાથે અહીં સિવિલ સબ હોસ્પિટલનું બિલ્ડિંગ બનાવાશે
ખેડા : ખેડામાં અંગ્રેજોના વખતની સિવિલ હોસ્પિટલનું મકાન જર્જરિત થઈ ગયું હોવાથી આખરે તોડી પડાયું હતું. અહીં નવું ખેડા સિવિલ સબ હોસ્પિટલનું આધુનિક દવાખાનું સુવિધાઓ સાથે ઉભું કરવાનું જાણવા મળે છે.
ખેડાની સિવિલ હોસ્પિટલ સને-૧૮૭૩મા રૂપિયા ૨૯,૪૮૦ના ખર્ચંથી બાંધવામાં આવી હતી. તેના ખર્ચમાં ખેડા મ્યુનિસિપાલિટી અને લોકલ ફંડનો ફાળો મળ્યો હતો. બ્રિટિશ અમલમાં ખેડાની સિવિલ હોસ્પિટલ આ જિલ્લાનું મુખ્ય દવાખાનું હતું. સિવિલ સર્જન ખેડામાં જ રહેતા હતા અને દવાખાનાથી થોડે દૂર એક ઉંચા ટેકરા ઉપર સિવિલ સર્જનનો જે તે સમયે આધુનિક વૈભવ બંગલો બનાવાયો હતો તે આજે પણ જર્જરિત અવસ્થામાં દેખાય છે.
ડોકટરી સ્ટાફ માટે ક્વાર્ટર સિવિલ હોસ્પિટલની પાછળ બનાવવામાં આવેલ હતો જેની બનાવટમાં પિરામિડ આકાર છાપરા ઉપર વિલાયતી નળિયા લાકડાના પાટિયા ઉપર ગોઠવાયા હતા. જેના કારણે શિયાળા અને ઉનાળામાં રૂમ અંદરનું વાતાવરણ સાનુકૂળ રહેતું હતુ તે થોડા દિવસ પહેલા જ તોડી પડાયા હતા.
અત્યારે જુનું મકાન તોડી પાડવામાં આવ્યું છે. અહીં નવું ખેડા સિવિલ સબ હોસ્પિટલની આધુનિક દવાખાનું અને સ્વાસ્થ્ય સબંધિત અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.