- વિસર્જનમાં આવેલા મામા-ફઈના ભાઈઓ ડૂબ્યા હતા
- નડિયાદ ફાયરબ્રિગેડ, એસડીઆરએફ ટીમે શોધખોળ હાથ ધરી હતી : સિલોડની સીમમાંથી લાશ મળી
નડિયાદના મંજીપુરા ગામમાં રવિકુંજ સોસાયટીમાં રહેતા સંદીપ આશાભાઈ મકવાણા (ઉં.વ. ૪૨)એ પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરી હતી. દોઢ દિવસના અંતે રવિવારે સાંજે તે અને તેમનો પરિવાર બિલોદરા ગામની સીમમાંથી પસાર થતી શેઢી નદીમાં વિસર્જન માટે આવ્યા હતા.
વિસર્જન બાદ અચાનક સંદીપભાઈનો પગ નદીના કીનારીથી લપસતા તેમના ફઈના દીકરા કેતન ગણેશભાઈ મહેરિયા (ઉં.વ. ૩૫, રહે. જય અંબે પાર્ક, એસટીનગર, નડિયાદ) તેમને બચાવવા જતા બંને ભાઈઓ પાણીમાં ગરકાવ થયા હતા.
જેથી સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરતા ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મોડી રાત સુધી નદીમાં શોધખોળ કરવા છતાં બંનેની કોઈ ભાળ મળી નહતી.
જેથી બીજા દિવસે સવારથી ફાયરબ્રિગેડની ટીમ, એસડીઆરએફની ટીમના તરવૈયાઓ દ્વારા બોટ અને અન્ય સાધનોની મદદથી એક કિલોમીટર સુધી નદીના બંને છેડે શોધખોળ હાથ ધરી હતી. તેમજ અમદાવાદથી પણ તરવૈયાઓની ટીમ રવાના થઈ હતી.
દરમિયાન સોમવારે બપોરે સિલોડ ગામની સીમમાંથી પસાર થતી શેઢી નદીમાંથી સંદીપભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે કેતનભાઈની શોધખોળ માટે હજૂ પણ ટીમો કામે લાગી છે.
આ અંગે પરિવારે જણાવ્યું હતું કે, સંદીપ અને કેતન મામા-ફઈના દીકરા છે. કેતનના લગ્ન આઠ મહિના પહેલા જ થયા હતા, હાલમાં એક મહિના પહેલા જ તેમના પત્નીનો ખોળો ભરાયો હતો. નડિયાદ કોર્ટમાં સ્ટેનોગ્રાફર તરીકે નોકરી કરતા કેતનભાઈ વિધવા માતાનો ઘડપણનો એકનો એક સહારો હતો.


