યાત્રાધામ ડાકોરના ઠાકોર ફરી એકવાર હોમ ક્વૉરન્ટાઇન થશે
- વધતા જતા કોરોનાના કેસોના કારણે 20મીથી
- ટેમ્પલ કમિટીએ દર્શન માટે મંદિર અચોક્કસ મુદત માટે બંધ રાખવા નિર્ણય કર્યો
નડિયાદ, તા. 18 જુલાઈ 2020, શનિવાર
યાત્રાધામ ડાકોર ના ઠાકોર આવતીકાલથી ફરી એકવાર હોમક્વારન્ટાઇન થશે.ડાકોર શહેરમાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં લઈને ભાવિક ભક્તો માટે મંદિર બંધ કરાયું છે.ટેમ્પલ કમિટીએ ડાકોર મંદિરના દર્શન અચોક્કસ મૂદત માટે બંધ કર્યાનુ મહત્વનો નિર્ણય આજે લીધો છે.
ડાકોર માં દિવસેને દિવસે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ઉત્તરોતર વધારો જોવા મળે છે.અહી નોધાયેલ ચાર કેસો મુખ્ય મંદિર થી સો-દોઢસો મીટરની એરિયામાં જ આવ્યા છે.જેમાં માવજીભાઇના ખાંચામાં પાર્થ અધવર્યુ ,વલ્લભનિવાસમાં દિલીપભાઇ જી ઉપાધ્યાય તથા બોડાણા સર્કલ પાસેની પીપલવાડી ખડીમાં વિનયકભાઇનો સમાવેશ થાય છે.આથી ટેમ્પલ કમિટી દ્વારા રણછોડરાયજીના દર્શન સોમવારને ૨૦ મી જૂલાઇ થી શ્રધ્ધાળુઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.આવતી કાલથી મંદિરમાં કોઇને પણ પ્રવેશ આપવામાં આવશે નહી.જો કે ડાકોરના ઠાકોર રાજા રણછોડરાયજીની નિત્ય સેવા બંધ બારણે ચાલુ રહેશે.