- રવાલિયા અને નિઝામપુરા ગામના લોકો વચ્ચે ધિંગાણાના ભણકારા
- રવાલિયાના ખેતર માલિક સહિત બે વ્યક્તિને ઈજા પહોંચતા ડાકોર ખસેડાયા : મહુધા પોલીસ મથકે 3 શખ્સો સામે ફરિયાદ : ત્રણેય ગામોમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
મહુધા અને ઠાસરા તાલુકાની હદને અડીને મહુધાનું નિઝામપુરા અને મહીસા ગામ આવેલું છે. તેમજ ઠાસરાનું રવાલિયા ગામ પણ આવેલું છે. રવાલિયા ગામે રહેતા ખુમાનસિંહ ચાવડા (ઉં.વ. ૨૭) પોતાના કાકા સુરેશ ચાવડા, કાકાના દીકરા ગોપાલ ચાવડા સાથે મહીસા ગામની સીમમાં આવેલા ખેતરમાં ચાર લેવા માટે ગયા હતા.
ત્યારે મહુધાના નિઝામપુરામાં રહેતો સાજીદ આશીફ મોમીન તેમના શેઢા પર ચાર કાપી રહ્યો હતો. જેથી ખુમાનસિંહે શખ્સને અટકાવતા બોલાચાલી થઈ હતી.
દરમિયાન સાજીદે અન્ય સાગરીતોને ફોન કરીને બોલાવતા નિઝામપુરાનો સલમાન મોમીન અને અન્ય એક શખ્સ ખેતરે પહોંચ્યા હતા અને ખુમાનસિંહ અને તેના પરિવાર પર લાકડી તથા તલવારથી હુમલો કર્યો હતો. જેમાં કાકા સુરેશ ચાવડાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
દરમિયાન બુમાબુમ થતાં રવાલિયા અને નિઝામપુરા ગામના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. દરમિયાન પોલીસ આવી જતાં નિઝામપુરાના લોકો અને હુમલો કરનાર ત્રણેય શખ્સો હથિયારો લઈને નાસી છુટયા હતા.
જ્યારે ઈજાગ્રસ્ત સુરેશભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ડાકોરના સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા.
આ મામલે ખુમાનસિંહની ફરિયાદના આધારે મહુધા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. તેમજ સમગ્ર મામલો બિચકે તેમ હોવાથી અને કોમી એખલાસ ડહોળાય અને ઘટના મોટુ સ્વરૂપ લે તેવી આશંકાના આધારે જિલ્લા પોલીસ પ્રશાસને તાત્કાલિક રવાલિયા, મહીસા અને નિઝામપુરામાં પોલીસ ફોર્સ ઉતારી દીધી હતી.
હાલમાં ઇજાગ્રસ્ત પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી : ડીવાયએસપી
આ અંગે ડીવાયએસપી વી. એન. સોલંકીએ જણાવ્યું હતું કે, ઘટનામાં કુલ બે વ્યક્તિઓ ઘાયલ થયા છે. મહુધા મથકે ઈજાગ્રસ્ત પક્ષે ફરિયાદ નોંધાવી છે, જેથી ગુનો દાખલ કરી આ બાબતે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ સુરક્ષાના ભાગરૂપે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


