- 4 ગામોના 90 બાળકોને અપડાઉનમાં હાલાકી
- મહુધા ડેપોએ બીજી બસ મોકલાતા મામલો થાળે પડયો પરત ફરવા એક જ બસ હોવાથી બાળકો પરેશાન
મહુધા તાલુકાના કપરુપૂર, પોરડા, બારૈયાની મુવાડી, જગાબારૈયાની મુવાડીથી મહુધા હાઇસ્કૂલ તથા કોલેજ ખાતે અંદાજે ૮૦થી ૯૦ બાળકો અભ્યાસ અર્થે જાય છે. ત્યારે સવારે પોરડાથી ૬ કલાકે એક બસ ઉપડે છે, તે જ રીતે કપરુપૂરથી મહુધા આવવા માટે તેજ સમયે બીજી બસ ઉપડે છે. જે બે બસોમાં બાળકો મહુધા તથા નડિયાદ ખાતે અભ્યાસ અર્થે જાય છે, બાળકો બપોરે પરત ઘરે આવવા માટે ૧૨.૩૫ મહુધા હાઇસ્કૂલથી છૂટતા હોવાથી તેટલી જ સંખ્યામાં પરત આવે છે, પરંતુ બપોરે ૧.૩૫ની ફક્ત એક જ બસ આવતી હોવાને કારણે તેમાં બાળકોનો સમાવેશ થતો નથી. જેથી તે બસમાં વિદ્યાર્થીઓને ઊભા ઊભા આવવાની ફરજ પડે છે તેમજ ઘણા બાળકો રહી પણ જાય છે. વિદ્યાર્થિનીઓને મફત પાસ યોજના અંતર્ગત નિઃશુલ્ક એસટી બસનો પાસ તો મળી જાય છે પરંતુ, એસટી બસ નહી મળવાના કારણે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે અથવા તો હાલાકી ભોગવવી પડે છે. જે સંદર્ભે અન્ય એક બસ ફાળવવા વારંવાર રજૂઆત કરવા છતાં એસટી તંત્રએ ધ્યાનમાં લીધી ન હતી.
ત્યારે શુક્રવારે મહુધા પાસે વિદ્યાર્થીઓ અને વાલીઓએ બસ અટકાવી વિરોધ નોંધાવ્યો હતો. ભારે સંઘર્ષ બાદ મહુધા ડેપો દ્વારા બીજી બસ મોકલવામાં આવતા અંતે મામલો થાળે પડયો હતો.


