- ડામર રોડ બનાવવા સ્થાનિકોની માંગણી
- બાળકો સહિત ગ્રામજનો કાદવ ખૂંદી ઘરે જવા મજબૂર બન્યા : એમ્બ્યૂલન્સ પણ આવી શકતી નથી
નડિયાદ તાલુકામાં અંધેજ ગામની નવી મુવાડીમાં ૬૦૦ જેટલા ખેડૂત પરિવારો વસવાટ કરે છે. અંધેજ ગામમાંથી નવી મુવાડીનો પાકો રસ્તો બનાવવામાં આવ્યો હતો. તાજેતરમાં ગટર લાઈન નાખવા માટે ખોદકામ કરતા પાકા રોડનું ઠેકાણું રહ્યુ નથી. હલકી ગુણવત્તાના કામના કારણે પરા વિસ્તારનો રસ્તો વર્ષો જૂનો ધૂળિયો રસ્તો હોય તેમ જણાઈ રહ્યું છે. હાલમાં ચોમાસાનો વરસાદ થતાં વર્ષો જૂનો કાચો રસ્તો હોય તેમ કાદવ કિચડ સર્જાયા છે. જેના કારણે શાળામાં આવતા બાળકો તેમજ દૂધ તેમજ રોજબરોજના કામ માટે આવતા લોકોને કાદવ કિચડ ખૂંદીને ગામમાં આવવું પડે છે. આ રસ્તામાં કિચડના કારણે બીમારી કે પ્રસૂતિ જેવા પ્રસંગે કોઈ વાહન પણ આવી શકતું નથી. જેથી લોકો કફોડી હાલતમાં મુકાય છે.
અંધેજ ગામથી નવી મુવાડીનો રસ્તો મુખ્યમંત્રી સડક યોજના હેઠળ ડામર રોડ બનાવવા સ્થાનિક રહીશોએ અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ ન થતા આ વિસ્તારના લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.
ત્યારે અંધેજની નવી મુવાડીનો ડામર રોડ બનાવવા પ્રબળ લાગણી વ્યાપી છે.


