ખેડૂતોને રૂા. 6 હજારની સહાય માટે ખેડા જિલ્લામાં ઓનલાઇન ફોર્મ ભરવાનો પ્રારંભ
- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત
નડિયાદ,તા. 9 ફેબ્રુઆરી 2019, શનિવાર
નાના સિમાંત એટલે કે બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત છ હજારનું ચુકવણું કરવા માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે.
કેન્દ્ર સરકારે તાજેતરમાં બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને સહાય માટે વાર્ષિક છ હજાર ચુકવવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત ખેડા જિલ્લામાં ઉપરોક્ત ક્રાઈટએરિયામાં આવતા ખેડૂતોને સહાયની આપવામાં આવશે.
આ માટે આગામી ૧૮ ફેબુ્રઆરી સુધી અરજી કરવાની રહેશે. આ યોજનામાં સહાયની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી ચુકવવામાં આવશે. આ રકમના પ્રથમ હપ્તા તરીકે તા. ૧ ડિસેમ્બરથી તારીખ ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં ચુકવવામાં આવશે.
જે જમીન ધારક ખેડૂત એટલે કે કુટુંબ સંયુક્ત રીતે પોતાની બે હેક્ટર સુધી ખેડાણ લાયક જમીન ધરાવતા હોય, તેવા ખેડૂતોને લાભ મળશે. આ યોજનાનો લાભ વ્યક્તિગત ખેડૂત તરીકે બે હેક્ટર સુધી જમીન ધારણ કરેલી હોય, લેન્ડ રેકર્ડમાં એક કરતા વધુ જમીન ધારક ખેડૂત કુંટુંબના નામ હોય અને કુલ જમીન બે હેક્ટર કરતા ઓછી હોય તે કિસ્સામાં રેકર્ડમાં નામ ધરાવતા તમામ સ્વતંત્ર ખેડૂત કુંટુંબને લાભ મળવા પાત્ર રહેશે.
આ ઉપરાંત ઉપરોક્ત બે મુદ્દા પૈકી કોઈ એક અથવા બંનેમાં એક કરતા વધુ જગ્યાએ જમીનધારક ખેડૂત કુટુંબ તરીકે નામ ધરાવતા હોય તે કિસ્સામાં તેમના માલિક પણા હેઠળ આવતી તમામ ખાતાની જમીનનું કુલ બે હેક્ટર મર્યાદામાં હોય, લેન્ડ રેકર્ડમાં કુલ જમીન બે હેક્ટર કરતા વધુ હોય અને એમાં સમાવિષ્ટ જમીન ધારક ખેડૂત કુટુંબ એક કરતા વધુ હોય તે કિસ્સામાં સમાવિષ્ટ તમામ જમીન ધારક ખેડૂત કુટુંબમાં પ્રતિ ખેડૂત કુટુંબ દિઠ જમીન બે હેક્ટરની મર્યાદામાં આવતી હોય તે કિસ્સામાં સમાવિષ્ટ તમામ ખેડૂત કુટુંબને લાભ મળવાપાત્ર રહેશે.
ઉપરોક્ત સહાય માટે જમીન ઘારકતાની ગણતરી માટે ૧ ફેબ્રુઆરી ૨૦૧૯ની સ્થિતિની જમીન ધારકતાને ધ્યાને લેવામાં આવશે. જમીન ઘારકના મૃત્યુના કારણે વારસાઈથી માલિકી હક્ક ટ્રાન્સફર સિવાયના કિસ્સામાં આગામી પાંચ વર્ષ સુધીના કોઈપણ નવા જમીન ધારકને આ લાભ મળશે નહીં. આ યોજનાના ક્રાઈટએરિયામાં આવતા તમામ ખેડૂત પરિવારોને લાભ લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી એ. આર. સોનારાઓએ એક અખબારી યાદી મારફતે જણાવ્યુ છે.
અરજી કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ: ગ્રામ પંચાયતમાં અરજી કરી શકાશે
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો સાથે રાખવા, જેમાં તમામ ૮-અ અને ૭/૧૨ ની નકલ, આધારકાર્ડની ઝેરોક્ષ, બેંક પાસબુકની ઝેરોક્ષ અથવા કેન્સલ ચેક, એકરાર નામું (ઓનલાઈન અરજી કરતી વખતે તૈયાર એકરાર નામું નીકળશે જેમાં ખેડૂતે સહી કરવાની રહેશે) ખેડૂતોએ પાસે રાખવું. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે જે-તે ગ્રામ પંચાયત કચેરીનો જ સંપર્ક સાધવાનો રહેશે. ઉપરોક્ત ડૉક્યુમેન્ટ સાથે ગ્રામ પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકનો સંપર્ક સાધી અરજદાર અરજી કરી શકશે.