નડિયાદ : નડિયાદ શહેરમાં પરંપરાગત રીતે દર વર્ષની જેમ આજે સમડી ચકલા નારણદેવ મંદિરથી શ્રીજીની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં શ્રીજી માત્ર નગરચર્યા જ નથી કરતાં પરંતુ ભક્તોના ઘરે ઘરે પહોંચી ૩૫૦ થી વધુ ભક્તોના ઘરમાં શ્રીજીની પધરામણી કરવામાં આવી હતી. રથયાત્રાના પાવન પર્વે ભગવાન સ્વયં પોતાના ભક્તોને દર્શન આપવા માટે નગરની ગલીઓમાં પહોંચે છે. આ અલૌકિક ક્ષણના સાક્ષી બનવા માટે ભક્તોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. નડિયાદ શહેરમાં છેલ્લા ૨૧૮ વર્ષથી નારણ દેવ મંદિરમાં બિરાજમાન દેવ નગર ચર્યાએ નીકળે છે. આ રથયાત્રા નિમિત્તે ભગવાન નીજ મંદિર પરત નથી ફરતાં પરંતુ ૩૫૦ થી પણ વધુ ઘરોમાં ભક્તોની ભક્તિને વશ થઇને પધરામણી કરી હતી. નડિયાદ સમડી ચકલા મોટા નારણદેવ મંદિરથી શ્રીજીની પાલખી યાત્રા નીકળી મઢી ચકલા, કંસારા બજાર, વચ્છેવાડ, સલુણ બજાર, પાડા પોળ નાકા, સિંદુશી પોળ, સાંથ બજાર, ભાવસાર વાડ, અમદાવાદી બજાર, મોચીવાડ ચોકડી, ડો.બી.એલ.ભટ્ટના દવાખાના થઇ, નાગરવાડા નો ઢાળ દેવ ચકલા થઈ સમડી ચકલા નારણ દેવ મંદિર પરત ફરી હતી.
નડિયાદમાં નારણદેવ મંદિરથી શ્રીજીની પાલખી યાત્રા નિકળી


