નડિયાદ શહેરમાં 6 કોમ્પ્લેક્ષની અત્યાર સુધીમાં 40 થી વધુ દુકાનો સીલ કરાઇ

- ફાયર સેફટીનું ઉલ્લંઘન કરનારાઓ સામે પગલાં
- રત્નરાજ સિટી સેન્ટરની 5 દુકાનો સીલ, ફોર્ડ વ્યૂ કોમ્પ્લેક્ષની દુકાનો સામે કાર્યવાહી હાથ ધરાઈ
નડિયાદ નગરપાલિકાએ ફાયર સેફટી વગર ધમધમતા કોમર્સીયલ અને રેસિડેન્સિયલ કોમ્પલેક્ષો સામે કાર્યવાહી આરંભી છે.
છેલ્લા ચારેક દિવસથી ચાલતી કાર્યવાહીના ભાગરૂપે અત્યાર સુધી શહેરના ૬ જેટલા કોમ્પલેક્ષમાં ૪૦થી વધુ દુકાનો સીલ કરવામાં આવી છે. નડિયાદ નગરપાલિકામાં શહેરમાં ૨૬ જેટલા વાણિજ્ય હેતુ અને રેસિડેન્સિયલ હેતુના કોમ્પલેક્ષોનું લિસ્ટ છે. આ ૨૬ કોમ્પલેક્ષોમાં ફાયર સેફટીની સુવિધા નથી.
જેમાં મંગળવારે પારસ સર્કલ પાસે આવેલા રત્નરાજ સિટી સેન્ટરમાં પાંચ દુકાનો સીલ કરાઈ છે, જ્યારે મહા ગુજરાત સર્કલ પાસે આવેલા ફોર્ડ વ્યુ કોમ્પલેક્ષમાં મોડી સાંજે કાર્યવાહી ચાલી રહી હતી. આ પહેલા પાલિકાએ પ્લેટિનિયમ પ્લાઝામાં તમામ દુકાનો સીલ કરી હતી અને સિલ્વર લાઈનમાં પણ કાર્યવાહી કરી હતી.નડિયાદ શહેરમાં હજુ આગામી દિવસોમાં વીસેક કોમ્પલેક્ષો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવના છે.

