- ગ્રામ પંચાયતનો નિભાવણી, સ્વચ્છતાનો અભાવ
- બાલવાટિકા અને રાજીવ ભવન પણ બિસ્માર વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોના આરોગ્ય સામે જોખમ
કપડવંજ : કપડવંજના કાવઠ ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ ઉપર જ ગંદા પાણીનો ભરાવો ઘણા સમયથી થયેલો છે. રોડને અડીને જ શાળા, આંગણવાડી આવેલી હોવાથી બાળકોના આરોગ્ય સામે પણ જોખમ ઉભું થયું છે. રોડ પાસે આવેલી બાલવાટિકા અને રાજીવ ભવન પણ બિસ્માર બન્યા છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય સાફસફાઈ કરી નિભાવ કરાય તેવી સ્થાનિકોમાં માંગણી ઉઠી છે.
કપડવંજ તાલુકાના કાવઠ ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ ઉપર ઘણા સમયથી દુર્ગંધ મારતા ગંદા પાણી ભરાઈ રહ્યા છે. ત્યારે અહીંથી પસાર થતા ગ્રામજનો અને બહારથી આવતા લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ રોડને અડીને જ પ્રાથમિક શાળા, આંગણવાડી, હાઈસ્કૂલ આવેલી છે. જેથી નાના બાળકો સહિત વિદ્યાર્થીઓના આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે.
જ્યાં દુર્ગંધ મારતા પાણી ભરાયા છે તેની પાસે જ બાળમનોરંજન માટે સરકારી યોજના હેઠળ પંચવટી (બાલવાટિકા) અને રાજીવ ભવન પણ બિસ્માર બન્યા છે. વનસ્પતિ ઉગી નીકળવાના કારણે તેમજ રમતના સાધનો પણ તૂટેલા ફૂટેલા હોવાના કારણે હાલ ખંડેર હાલતમાં પડયા છે. કોઈ બાળક ઉપયોગ પણ કરી શકતું નથી.
ગ્રામ પંચાયત દ્વારા નિભાવણી અને સ્વચ્છતાના અભાવે યોજનાના નાણાં પાણીમાં ગયા હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. ઘણા સમયથી દુર્ગંધ મારતા પાણીના ભરાવા છતાં ગ્રામ પંચાયતના પેટનું પાણી પણ હાલતું નથી. ત્યારે વહેલી તકે અહીં યોગ્ય સફાઈ નહીં કરાય તો મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય છે. ત્યારે ત્વરિત યોગ્ય તપાસ હાથ ધરાય તેવી માંગણી ઉઠી છે.


