- ગળતેશ્વરના રોઝવા પાસે અકસ્માત
- અન્ય એક વ્યક્તિને ઈજા : અમદાવાદ- ઈન્દોર હાઈવે પર ખાડાએ ઝલૈયાના વ્યક્તિનો ભોગ લીધો
સેવાલિયામાં ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતા હરિષચંદ્ર શભુંપ્રસાદ પટેલ (ઉં.વ.૩૬) રહે. ઝલૈયા, કપડવંજવાળા એક્ટિવા ઉપર બેસી બાલાસિનોર તરફ જઈ રહ્યા હતા. ત્યારે ગળતેશ્વર તાલુકાના રોઝવા પાસે તેઓ પહોંચ્યા ત્યારે પાછળથી આવતા ડમ્પરે ટક્કર મારતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બીજા વ્યક્તિને ઈજાઓ થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મૃતકનું સેવાલિયા સીએચસીમાં પીએમ કરવામાં આવ્યું હતું. અકસ્માતની જાણ થતા બાદ ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકના તમામ શાખાનો સ્ટાફ ઘટના સ્થળે ઉપસ્થિત રહ્યો હતો. ત્યારે નડિયાદ મેઈન શાખામાંથી આવેલા અધિકારી સામે તમામ કર્મચારીઓએ અમદાવાદ- ઈન્દોર હાઈવે ઉપર મોટા ખાડાના લીધે બેંક મેનેજરનો ભોગ લેવાયો હોવા અંગે રોષ ઠાલવ્યો હતો. આ અંગે સેવાલિયા પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


