- ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે
- સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ કરી છતાં ભાળ ન મળતાં પરિવારજનો ચિંતિત
અમદાવાદના નારોલના જ્યોતિનગરમાં રહેતા પ્રતિકભાઈ શાંતારામ (ઉં.વ.૩૦) પોતાના પરિવાર સાથે ગત ગુરુવારે ગળતેશ્વર મહાદેવ ખાતે આવેલી મહીસાગર નદીમાં ગણપતિની મૂર્તિનંર વિસર્જન કરવા આવ્યા હતા. ત્યારે સાંજના સમયે મૂર્તિ લઈને મહીનદીના ધસમસતા પાણીમાં જતાં પ્રતિમા સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં સરનાલ ગ્રામ પંચાયત અને તાલુકા વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકની શોધખોળ હાથ ધરી હતી. બનાવને ૪૮ કલાકનો સમય વિત્યો હોવા છતાં યુવકની કોઈ ભાળ મળી શકી નથી. આ અંગે સુખિનિમુવાડીમાં રહેતા સ્થાનિક તરવૈયાએ જણાવ્યું હતું કે, મહી નદી બે કાંઠે વહી રહી હોવાથી મહીસાગર માતાના મંદિરના પગથિયા પાસે જ વહીવટી તંત્ર દ્વારા વિસર્જન કરવાની દોરડા બાંધીને વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પોલીસ કે હોમગાર્ડ જવાનો દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે. ત્યારે યુવકને ઉંડા પાણીમાં જવાની ના પાડવા છતાં તે માન્યો ન હતો અને ગણપતિ દાદાનું વિસર્જન જાતે કરવાની બાધા લઈને આવ્યા હોવાનું જણાવી તે નદીમાં ગયા હતા.


