રાસ ગામે વડ નીચેથી સરદાર પટેલની સૌપ્રથમ વખત ધરપકડ કરાઈ હતી
- 94 વર્ષ પહેલા આજના દિવસે ઐતિહાસિક બનાવ બન્યો
- સાબરમતી સેન્ટ્રલ જેલમાં પ્રથમ વખત 3 મહિનાનો જેલવાસ ભોગવ્યો ધરપકડના વિરોધમાં ગ્રામજનોએ ના-કરની લડત શરૂ કરી હતી
અમદાવાદ : દાંડી કૂચને ૯૪ વર્ષ પૂર્ણ થવાના છે, ત્યારે દાંડી કૂચના પાંચ દિવસ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલની સૌપ્રથમ વખત તત્કાલીન ખેડાના અને વર્તમાન આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના રાસ ગામેથી ધરપકડ કરવામાં આવી હતી.
ગાંધીજી દ્વારા દાંડીકૂચની તૈયારી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન તા. ૭ માર્ચ, ૧૯૩૦ના રોજ રાસ ગામે આવેલા એક વડ નીચે સરદાર વલ્લભભાઈ પટેલ દાંડી યાત્રાની તૈયારી અને પ્રચાર કરી રહ્યા હતા. તે દરમિયાન બોરસદ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ જાતે સરદાર પટેલનું ધરપકડનું વોરંટ લઈને આવ્યા હતા. કોઈ ભાષણ ન આપવાના મેજિસ્ટ્રેટના જાહેરનામાનો અનાદર કરવા બદલ તેમની રાસ ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમને બોરસદ કોર્ટ દ્વારા ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. સરદાર પટેલની ધરપકડ થતાં રાસ ગામ દ્વારા સરકારી તંત્રનો કડક બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને મુખી સહિતનાઓએ રાજીનામા આપી દીધા હતા. ગાંધીજી તા.૧૨ માર્ચના રોજ દાંડી કૂચ શરૂ કરી તા.૧૯ માર્ચના રોજ રાસ ગામ પહોંચ્યા હતા, જ્યાં ૨૫૦૦૦ લોકોની સભા યોજાઈ હતી.
ગ્રામજનો દ્વારા સરદાર પટેલની ધરપકડના વિરોધમાં જમીન- મહેસૂલ ના ભરવાનો સત્યાગ્રહ (ના-કરની લડત) શરૂ કરવા ગાંધીજીની પરવાનગી માંગી હતી. જે અંગે ગાંધીજીની પરવાનગી મળ્યા બાદ ગ્રામજનોએ સત્યાગ્રહ શરૂ કર્યો જે લાંબા સમય સુધી ચાલ્યો હતો. આજે પણ રાસ ગામમાં રાસ કેળવણી મંડળ સંચાલિત હાઇસ્કૂલમાં ઐતિહાસિક વલ્લભ વડ અડીખમ ઉભેલો છે, જેની નીચેથી સરદાર પટેલની સૌપ્રથમ વખત ધરપકડ કરીને ત્રણ મહિનાની સજા કરવામાં આવી હતી. સરદાર પટેલે સાબરમતી સેન્ટ્રલ જેલમાં તા.૨૬ જૂન, ૧૯૩૦ સુધી જેલવાસ ભોગવ્યો હતો.
111 દિવસના જેલવાસ દરમિયાન સરદાર પટેલે 45 દિવસ દૈનિક ડાયરી લખી
રાસ ગામેથી સરદાર પટેલની ધરપકડ કર્યા બાદ તેમને ત્રણ મહિનાની જેલની સજા કરવામાં આવી હતી. સજા ભોગવવા માટે તેમને સાબરમતી સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા હતા. તે સમયે તેમની ઉંમર ૫૫ વર્ષ હતી. તેમના પ્રથમ વખતના ૧૧૧ દિવસના જેલવાસમાંથી, તેમણે પ્રથમ ૪૫ દિવસ દરમિયાન દૈનિક ડાયરી લખી હતી.