કપડવંજ તાલુકાના મલકાણાથી દનાદરાના ખેડૂતો દ્વારા રસ્તા રોકો આંદોલન
- ક્વોરી ઉદ્યોગ અને રસ્તાથી અસરગ્રસ્ત ખેડૂતો રોડ પર ઉતર્યા
- કપચીનાં ડમ્પરિયાથી ઊડતી ધૂળથી ખેતીને અને ઘાસચારાને નુકસાન : માણસો પણ ભૂત જેવા થઈ જતા હોવાનો આક્ષેપ
કપડવંજ : કપડવંજ તાલુકાના દનાદરાથી મલકાણા સુધીના બિસ્માર રસ્તા મુદ્દે અને એ રસ્તા પરથી પસાર થતાં કપચી ભરેલાં વાહનોથી ઊડતી ધૂળની સમસ્યાથી પરેશાન થયેલા આ વિસ્તારના ગ્રામજનો અને ખેડૂતો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું. જેના પરિણામે આવતા જતા અનેક વાહનોનાં પૈડાં રોડ પર થંભી ગયાં હતાં. રસ્તા પર ચક્કાજામ જેવાં દૃશ્યો સર્જાયાં હતાં.
કપડવંજ તાલુકાના દનાદરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ક્વોરી ઉદ્યોગ ચાલે છે. જેમાંથી દરરોજ મોટા પ્રમાણમાં કપચી ડસ્ટ ભરેલા ડમ્પરિયાની સતત આવનજાવન થતી રહે છે.
જોકે, દનાદરાથી મલકાણા અને આસપાસના નીરમાલીના મુવાડા, ગોકાજીના મુવાડા, ઠાકોર કમ્પા સુધીનો પાંચ કિ.મી.નો રસ્તો ઘણા સમયથી બદતર હાલતમાં છે. જેના કારણે આ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ધૂળ ઊડે છે. ઊડતી ધૂળના લીધે આજુબાજુનાં ખેતરના પાક પર ધૂળની ચાદર છવાઈ જાય છે અને પાકને નુકસાન થાય છે.
ઉપરાંત ડમ્પરના કારણે રસ્તા પરની ધૂળ ઊડીને પશુઓના ઘાસચારા પર બાજી જવાથી પશુઓને ખવડાવવા માટે પણ મુશ્કેલી ઊભી થાય છે. સ્થાનિકોની ફરિયાદ છે કે એટલી હદે રેતી ઊડે છે કે પોતાના ઘરવાળા પણ જલદી ઓળખી ન શકે એવા ભૂત જેવા દેખાઇએ છીએ.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ બાબતે ક્વોરી એસોસિએશનના પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી. પ્રમુખ દ્વારા જણાવાયું હતું કે જિલ્લા કક્ષાએ માર્ગ અને મકાન વિભાગ, કલેક્ટર તેમજ રાજકીય નેતાઓને ધૂળ ઊડતા રસ્તા બાબતે નવો રસ્તો બનાવવાની માંગ સાથે રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.
ઊડતી ધૂળ અને બદતર રસ્તાના પ્રશ્ન સંબંધે ખેડૂતો અને ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે.
જેમાં આ માર્ગ પરથી પસાર થતાં વાહનોનાં પૈડાં થંભી ગયાં હતાં અને લાંબી કતારો લાગી હતી. આ પ્રશ્નનો યોગ્ય નિકાલ નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.