નડિયાદ શહેરના એસઆરપી કેમ્પ સહિતના વિસ્તારમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ
-શહેરના છત્રપતિ શિવાજી બેરેક, સ્વામી વિવેકાનંદ બેરેક ખારાકૂવા કોઠારી સોસાયટી સહિતના વિસ્તારોમાં રોક લગાવાઈ
નડિયાદ,તા.5 જુન 2020, શુક્રવાર
સમગ્ર દેશ તેમજ ગુજરાત રાજ્યમાં નોવેલ કોરોના વાઈરસ કોવીડ-૧૯ ફેલાયેલ છે. જેને ડબલ્યુએચઓ દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે.
ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા વખતોવખત નોવેલ કોરોના વાઈરસ કોવીડ-૧૯નો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.
રાજ્યમાં ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન ૨૦૨૦ લાગુ કરવામાં આવેલ છે. નોવેલ કોરોના વાઈરસ કોવીડ-૧૯ની મહામારી વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા તથા સંક્રમણ નિયંત્રણમાં લેવા હેતુ જિલ્લા કક્ષાએ આયોજન, સંકલન તથા નિયંત્રણમાં લેવા જાહેર હિતમાં લેવાના તમામ પગલાં લેવા જિલ્લા મેજિસ્ટ્રેટને જરૃરી સત્તાઓ સોંપવામાં આવેલ છે.
જેમાં નડિયાદ શહેરના એસઆરપી કેમ્પ, છત્રપતિ શિવાજી બેરેક, સ્વામિ વિવેકાનંદ બેરેક વિસ્તાર, નડિયાદ શહેરના ખારાકુવા કોઠારી સોસાયટી વિસ્તારમાં એક, વસો તાલુકાના પલાણા ગામના વડવાડી ખડકી વિસ્તારમાં એક, ખેડા શહેરના ટેકરાવાળુ ફળિયું વિસ્તારોને કોરોના વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં રૃપે ઉપરોક્ત વિસ્તારમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.