નડિયાદ સહિત ખેડા જિલ્લામાં વરસાદ વરસતા ગરમીમાંથી લોકોને રાહત
- નડિયાદ, ખેડા, મહેમદાવાદ અને વસોમાં વરસાદ મેઘસવારીનું ફરી આગમન થતા ખેડૂતોમાં ખુશાલી
નડિયાદ, તા. 6 જુલાઈ 2020, સોમવાર
ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ શહેર ઉપરાંત અનેક તાલુકા મથકોમાં સોમવારની સવારથી મેઘસવારી આવી પહોંચી હતી.વરસાદી માહોલ સર્જાતા જિલ્લાવાસીઓને ગરમીમાં આંશિક રાહત મળી છે, છેલ્લા બે દિવસથીવરસાદ વરસતા ખેડુતોમાં આનંદ છવાયો છે.
ખેડા જિલ્લામાં સોમવારની સવારથી મેઘસવારી આવી પહોંચી હતી. જો કે છેલ્લા બે દિવસથી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.વરસાદી માહોલ સર્જાતા બફારામાંથી આંશિક રાહત મળી હતી.રવિવારની ઢળતી સાંજ બાદ સોમવાર વહેલી સવારથી જિલ્લાના વડા મથક નડિયાદ સહિત તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. આજે સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવવાના કારણે જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં જિલ્લાના નડિયાદ સહિત તાલુકાઓમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા.
જેમાં જિલ્લાના દશ તાલુકાઓમાંથી ફક્ત ચાર તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા. જિલ્લાના ચાર તાલુકાઓમાંથી સૌથી વધુ વરસાદ ખેડામાં ૩૨ મીમી અને સૌથી ઓછો વરસાદ મહેમદાવાદમાં ૧૧મીમી નોધાયો છે. જ્યારે બાકીના ૬ તાલુકાઓમાં વરસાદી ઝાપટાંપડયા હતાં.