app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

માતર-તારાપુર હાઈવે પર ઠેર ઠેર ખાડાઓથી વાહનચાલકોને હાલાકી

Updated: Sep 9th, 2023


- ખેડા અને આણંદ જિલ્લાને જોડતા

- દિવાળી પહેલાં સમારકામ નહીં થાય તો લિંબાસી પંથકના લોકોની આંદોલન કરવાની ચિમકી

નડિયાદ : ખેડા માતર થઈ તારાપુર તરફ જતો હાઇવે છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાથી તેમજ ઠેર ઠેર ભયજનક ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ રોડનું વહેલી તકે સમારકામ કરવા સ્થાનિક લોકોમાંથી માગણી ઉઠી છે. 

ખેડા-આણંદ જિલ્લાને જોડતા ખેડાથી માતર, લીંબાસી થઈ તારાપુર તરફના હાઇવે પર ભાલ પંથકના વાહન ચાલકોની ભારે અવર-જવર રહે છે. તારાપુર તરફથી ખેડા અમદાવાદ તરફ જવાનો આ એક માત્ર હાઇવે છે. ત્યારે આ રોડ પર ઠેર ઠેર ઉંડા ખાડા પડી ગયા છે. જેથી વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે. રોડ બિસ્માર હાલતમાં ફેરવતા લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ચરોતર અને ભાલ વિસ્તારને જોડતા તારાપુર ખેડા હાઇવે ઉબડ ખાબડ હાલતમાં હોવાથી વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે. 

માતર-લીંબાસી પંથકના આગેવાનો દ્વારા આ રોડનું નવીનીકરણ કરવા અવારનવાર રજૂઆત કરવા છતાં આ રોડનું સમારકામ કરવામાં ન આવતા વાહન ચાલકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. ચૂંટણી ટાણે રાજકીય નેતાઓ દ્વારા રોડના નવીનીકરણના વચનો આપવામાં આવે છે પરંતુ ચૂંટણી યોજાયા બાદ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી હોવાનો રોષ ઠાલવ્યો છે.

 ત્યારે માર્ગ મકાન ખાતા દ્વારા ખેડા લીંબાસી તારાપુર હાઇવેનું સત્વરે સમારકામ કરવા વાહન ચાલકોમાંથી માંગણી ઉઠી છે. દિવાળીના તહેવારો પહેલા રોડનું સમારકામ કરવામાં નહિ આવે તો લીંબાસી પંથકના લોકોએ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

Gujarat