સ્મશાનમાં કર્મીઓ કોરોનાગ્રસ્ત મૃતકને અર્ધબળેલી હાલતમાં મૂકી ભાગી ગયા
- નડિયાદના મીલ રોડ જીઆઇડીસી વિસ્તારમાં મોડી રાત્રે
- સ્મશાનમાં કામ કરતા કામદારો, રહીશોએ રોષે ભરાઇ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો
નડિયાદ, તા. 3 જુલાઈ 2020, શુક્રવાર
નડિયાદ શહેરના મફતલાલ એપરલ નજીકના જીઆઇડીસીમાં આવેલ સ્મશાન ગૃહમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાગ્રસ્ત મૃતકોની અંતિમ ક્રિયા કરવામાં આવે છે. પરંતુ ગત્ મોડીરાત્રે બે વાગ્યાના સુમારે નડિયાદના મોદીસાંથ વિસ્તારના શેઠપોળમાં રહેતા પ્રકાશભાઇ સોનીના અંતિમદેહને અગ્નિસંસ્કાર માટે આ સ્મશાનગૃહમાં લાવવામાં આવ્યા હતા. આ માટે કલેક્ટરના નેજા હેઠળ રચાયેલ સમિતિ દ્વારા આ અંતિમ ક્રિયા કરવામાં આવે છે. આ અંતિમક્રિયા કરનાર કર્મચારીઓએ ગત્ રાતના મૃતદેહને અડધી રાત્રે કેમ અંતિમ સંસ્કાર કરવા માટે લઇ જવો પડયો તે ચર્ચાનો વિષય બન્યો છે. વળી મૃતદેહને અગ્નિ આપ્યા બાદ આ કર્મચારીઓ અર્ધ બળેલી હાલતમાં જ છોડીને જતા રહ્યા હતા. આથી વહેલી સવારથી જ સ્થાનિકો અને સ્મશાનમાં કામ કરતા દલિત મહિલા બહેન રોષે ભરાયા છે અને તેમનો આ ફરિયાદ કરતો વિડિયો પણ સ્થાનિકોએ વાયરલ કર્યો છે. અર્ધબળેલી હાલતમાં કોરોના દર્દીના અગ્નિસંસ્કારને કારણે વિસ્તારમાં રહેતા નાગરિકો પણ ભારે રોષે ભરાયા હતા અને આજે સવારે બાકીના અગ્નિસંસ્કાર સ્મશાનના માણસોએ જ કરવા પડયા હતા જેનો ભારે વિવાદ થયો છે.