Get The App

પેટલાદ નગરમાં 98 મી રથયાત્રા માણવા માનવ મહેરામણ ઉમટયો

Updated: Jul 8th, 2024

GS TEAM

Google News
Google News
પેટલાદ નગરમાં 98 મી રથયાત્રા માણવા માનવ મહેરામણ ઉમટયો 1 - image

- આરપીએફ સહિત 550 પોલીસોએ રથયાત્રાનું પેટ્રોલિંગ કર્યું

- ડીજે, 30 ટ્રેક્ટર અને ભજન મંડળીઓ, અખાડા સહિત કલાકારોએ આકર્ષણ જમાવ્યું : પર્યાવરણ જાગૃતિ માટે ફૂલછોડનું વિતરણ કરાયું

પેટલાદ : પેટલાદ ખાતેથી અષાઢી બીજના પાવન દિવસે ૯૮મી રથયાત્રાનું રણછોડજી મંદિરથી બપોરે ૧.૩૦ વાગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ત્રણ રથમાં સવાર થઈ નગરમાં ભક્તોને દર્શન આપવા નીકળ્યા હતા. ત્યારે ભગવાન જગન્નાથજીનાં વધામણાં કરવા નગરજનો પણ આતુર બન્યા હતા. રસ્તામાં સેવાભાવી સંસ્થાઓ અને નાગરિકો દ્વારા છાસ, ઠંડુ પાણી સરબત, નાસ્તો સહિતની વ્યવસ્થા જોવા મળી હતી.

જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદ સાથે નિકળેલી રથયાત્રામાં ત્રણ રથ, બે પાલખી, બે બગી,૧ ડી.જે., ૩૦થી વધુ ટ્રેકટર, ૩૦થી વધુ ભજન મંડળીઓ તેમજ નુતય કલાકારોએ રથયાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું.  ત્યારે રથયાત્રા બંદોબસ્તમાં બે ડીવાયએસપી, ૧૭ પીએસઆઇ, ૨૦૦ પોલીસ સ્ટાફ, ૨૫૦ હોમ ગાર્ડ અને એક કંપની રેપિડ એક્શન ફોર્સ અને ધાબા પોઇન્ટ ઉપર પોલીસ તૈનાત જોવા મળી હતી.

પેટલાદના રણછોડજી મંદિરથી નીકળેલી રથયાત્રા ટાઉન હોલ, સરદાર ચોક, સ્ટેશન રોડ, જેત્રના વડ થઈ કાળકા ગેટ નર્સિંહ મંદિર પહોંચી હતી. જ્યાં આરતી ઉતારાઈ હતી. ત્યારબાદ પઠાણ વાળા, ખલીફાચોક, વાળંદની ખડકી, ચોકસી બજાર, અંબામાતા, છીપવાડ, લિંબા કુંઇ,પટેલસોડા, હનુમાન ફડિયાં થઈ ગાંધી ચોક

ચાવડી બઝાર થઈ નવાપુરા રહી નિજ મંદિર રથયાત્રા પરત ફરી હતી. ત્યારે સમગ્ર રથયાત્રા રુટ ઉપર હિન્દુ મુસ્લિમ સમાજ તેમજ ભક્તો દ્વારા મહંતનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું.

આજે રથયાત્રામાં ભગવાનનાં વધામણાં થયા હતા. રથયાત્રામાં અલગ -અલગ વેશભૂષા સહિત અખાડાનાં લોકોએ વિવિધ પ્રકારની કરતબ બતાવી આકર્ષણ જમાવ્યું હતું. રથયાત્રા મગ, જાંબુનો પ્રસાદ તેમજ પર્યાવરણની જાગૃતિ માટે ફૂલ છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પેટલાદમાં રથયાત્રાની શરૂઆત ૧૯૨૭માં સ્વામી મધુસૂદન દાસએ કરી હતી. ત્યારબાદ ૧૯૩૭થી ૧૯૮૫ સુધી મહંત જમનાદાસ મહારાજે રથયાત્રા કરાવી હતી. ત્યાર બાદ ૧૯૮૬થી મહંત વાસુદેવ મહારાજની નિશ્રામાં રથયાત્રા શરૂ રહીને ચાલુ વર્ષે ૯૮મી રથયાત્રા નીકળી હતી. જેમાં હૈયે હૈયું દળાય તેવી માનવ મેદની ઉમટી પડી હતી.