For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નડિયાદમાં દૂધ મેળવવા લોકોની ભારે દોડધામ, ચાની કિટલીઓ બંધ રહી

Updated: Sep 21st, 2022

Article Content Image

- નડિયાદમાં એક માત્ર ફેડરેશન સ્ટોર પરથી દૂધનું વિતરણ કરવામાં આવતા દૂધ મેળવવા લોકોને લાંબી લાઈનો લાગી હતી

નડિયાદ : માલધારી સમાજે ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચવાની માંગણીઓને લઈ લડતના મંડાણ શરૂ કર્યા છે. માલધારીઓએ દૂધ નહીં ભરવાના નિર્ણયના પગલે આજે નડિયાદ શહેરમાં દૂધ મેળવવા નગરજનોને સવારના પહોરમાં ભારે દોડધામ કરવી પડી હતી. દૂધની ખેંચના કારણે ચાની કિટલીઓ બંધ રહેવા પામી હતી.

સરકારે ઢોર નિયંત્રણ કાયદો જાહેર કર્યો છે. માલધારી સમાજે ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચવાની માંગણીઓને લઈ તા.૨૧ મીના રોજ દૂધ નહીં વેચવાનું જાહેર કર્યું હતું. જેના પગલે દૂધની અવર જવર કરતા વાહનોને માલધારીઓએ અટકાવ્યા હતા. તેમજ અમુલ ડેરીમાંથી દૂધ લઈને આવતા વાહનોને પરત મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. માલધારીઓની લડતના કારણે આજે નડિયાદ શહેરમાં દૂધ મેળવવા લોકોને ભારે દોડધામ કરવી પડી હતી. નડિયાદ શહેરમાં દરરોજનું? ૨૭ હજાર લીટર દૂધનું વેચાણ થાય છે. ત્યારે આજે સવારે નડિયાદમાં એક માત્ર ફેડરેશન સ્ટોર પરથી દૂધનું વિતરણ કરવામાં આવતા દૂધ મેળવવા લોકોને લાંબી લાઈનો લાગી હતી.આમ દૂધ મેળવવા લોકોને ભારે દોડધામ કરવી પડી હતી. નોકરી તથા શાળા કોલેજોમાં જતા વિદ્યાર્થીઓને દૂધ ચા પીધા વગર જવું પડયું હતું. તો બીજી બાજુ દૂધની અછતના કારણે શહેરમાં મોટાભાગની ચાની કિટલીઓ બંધ રહેવા પામી હતી. દૂધની ખેંચ સર્જાતા લોકોની સવાર બગડી હતી. આ ઉપરાંત દૂધનો વ્યવસાય કરતા માલધારી વેપારીઓએ ડેરીની દુકાનો બંધ રાખી હતી. નડિયાદમાં અમુક ડેરી વ્યવસાય ધરાવતી દુકાનો ખુલ્લી જોવા મળતા માલધારીઓ બજારમાં ફરી બળજબરી પૂર્વક દુકાનો બંધ કરાવતા રકજકના બનાવો જોવા મળ્યા હતા. દૂધનું વેચાણ બંધ રાખી ઘણા માલધારીઓએ કુતરા અને બિલાડીઓને દૂધ પીવડાવ્યું હતું. આમ માલધારીઓની લડતના કારણે દૂધના વેચાણ પર બ્રેક લાગતા લોકોને દૂધ મેળવવા ભટકવું પડયું હતું. તો બીજી બાજુ ઘણા ગામોમાં દૂધ મંડળીઓમાં દૂધની ખરીદી વેચાણ રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું. આમ ખેડા જિલ્લામાં માલધારીઓની દૂધ વેચાણ બંધ રાખવાની લડતને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. માલધારીઓની દૂધ નહીં ભરવાના નિર્ણયના કારણે દૂધ વ્યવસાયને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.

Gujarat