મહુધા, તા.23 ફેબ્રુઆરી 2021, મંગળવાર
મહુધા તાલુકામાં આવતા ખાંડીવાવ ગામના ગ્રામજનોએ તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામને કઠલાલ તાલુકામાં સ્થાન આપવાની ગ્રામજનોની અરજી પર કોઈ લાંબા સમયથી પગલાં ભરવામાં ન આવતાં ગ્રામજનોએ અંતે ચૂંટણીનો બહિષ્કાર જાહેરકર્યો છે. ગામની બહાર બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે તે પ્રમાણે ૨૮ ફેબુ્રઆરીના મહુધા તાલુકા પંચાયતની ચૂંટણીમાં આખું ગામ મતદાન કરવાનું નથી.
મળતી વિગતો અનુસાર ખાંડીવાવ ગામના તમામ સામાજિક અને આર્થિક વ્યવહારો કઠલાલ સાથે જોડાયેલા છે છતાં તેને મહુધા તાલુકામાં સમાવિષ્ટ રાખવામાં આવ્યું છે. અધૂરામાં પૂરું વિધાનસભામાં આ ગામ કઠલાલ બેઠકમાં આવતું હોવા છતાં માત્ર તાલુકા પંચાયત પૂરતું તેને મહુધામાં સમાવવામાં આવ્યું છે. આ વિચિત્ર રાજકીય સ્થિતિને લીધે ગામના લોકોના વ્યવહાર ખોરવાઈ ગયા છે.
ગામના આગેવાનો પાસેથી મળતી માહિતી પ્રમાણે ખાંડીવાવ ગ્રામ પંચાયતને મહુધા તાલુકાનું સીમાંકન આપવાને લીધે ગ્રામવાસીઓએ ભારે હાલાકી ભોગવવી પડે છે. ગામની ત્રણેય તરફ કઠલાલ તાલુકાની સીમા અડે છે.ગામના ઘણાબધા ખેડૂતોની જમીન અડધી કઠલાલ તાલુકામાં ગણાવવા લાગી છે. ગ્રામજનોએ સર્વાનુમતે સહીઓ કરીને સરકારને લેખિતમાં રજૂઆત કરી હતી. તે રજૂઆત પ્રમાણે બે જુદા જુદા તાલુકામાં સંપત્તિઓ વહેંચાઈ જવાને કારણે ગ્રામવાસીઓએ દસ્તાવેજી અને સરકારી કામોમાં ભારે તકલીફો વેઠવાનો વારો આવ્યો છે. આ માટે ગામનો કઠલાલ તાલુકામાં સમાવેશ કરી દેવામાં આવે તેવી તમામ ગ્રામજનોની સર્વાનુમતે વિનંતી છે. આ પહેલાં ખાંડીવાવ ગામ ભાનેર પંચાયતમાં હતું તેનો પણ કઠલાલ તાલુકામાં સમાવેશ થયો છે. ગામથી કઠલાલ શહેર ત્રણ કિલોમીટર અને મહુધા ૧૩ કિલોમીટર દૂર થાય છે. ગામનાં મોટાભાગનાં બાળકો કઠલાલ ભણવા જાય છે તેમના દસ્તાવેજોમાં પણ તાલુકાઓ બદલાઈ જવાને લીધે ભારે ગડમથલ ઊભી થઈ રહી છે. અનેક રજૂઆતો છતાં ગ્રામજનોની માગણી કાને ધરવામાં આવી નથી અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી તેથી ગ્રામજનો રોષે ભરાયા છે. ગામના જાગ્રત નાગરિકોએ પોતાની માગણીના સ્વીકાર માટે તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર જાહેર કર્યો છે . હજી તેમની માગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ગામના આગેવાનોએ ઉચ્ચારી છે.
ખાંડીવાવ ગામની વિચિત્રતા
* ગામની વસ્તીઃ આશરે ૫૦૦૦
* મતદારોઃ આશરે ૧૫૦૦
* ગામની ત્રણે બાજુ કઠલાલ તાલુકો લાગે છે.
* ગામના ખેડૂતોની જમીનો કઠલાલ તાલુકામાં ગણાય છે.
* ગામના મોટાભાગના વિદ્યાર્થીઓ કઠલાલમાં ભણવા જાય છે.
* વિધાનસભામાં ગામ કઠલાલ બેઠકમાં ગણાય છે.
* ગામથી મહુધા ૧૩ અને કઠલાલ ૩ કિલોમીટર દૂર છે.
-આમ છતાં માત્ર તાલુકા પંચાયત પૂરતું ગામ મહુધા તાલુકામાં ગણાય છે.
સરપંચ કહે છે ચૂંટણીનો બહિષ્કાર બધાએ નથી કર્યો
મહુધા, તા.23 ફેબ્રુઆરી 2021, મંગળવાર
ખાંડીવાવ ગામના સરપંચ મનુભાઈ સોઢાપરમારના જણાવ્યા પ્રમાણે ગ્રામજનો કઠલાલ તાલુકામાં સમાવેશ બાબતે એક મત છે અને અમારી વરસોની માગણી પડતર છે તે સામે સરકારનું ધ્યાન દોરવા માગે છે, પણ ચૂંટણીના બહિષ્કારની હાકલ સહુની નથી.ગામના અમુક નાગરિકોએ આ નિર્ણય લીધો છે અને તેઓએ બોર્ડ વગેરે લગાવીને ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. ગ્રામ પંચાયત દ્વારા સત્તાવાર રીતે ચૂંટણી બહિષ્કારની જાહેરાત થઈ નથી અને ગામના ઘણા મતદારો ચૂંટણીનો બહિષ્કાર કરવાના નથી.


