- નદી ઉપરના પુલનું પણ કામ બંધ
- 200 વિદ્યાર્થીઓ સહિત લોકો તૂટેલા ડાયવર્ઝનમાં રસ્તો પસાર કરવા મજબૂર
ઠાસરા : ઠાસરાના વણોતી ગામને જોડતો શેઢી નદી ઉપરના પુલનું કામ બંધ છે. ત્યારે પુરમાં ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે. જેના લીધે હાલ ૨૦૦ વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે. ત્યારે નવું ડાઈવર્જન બનાવી ત્વરિત પુલનું કામ શરૂ કરાવવા માંગણી ઉઠી છે.
ઠાસરા તાલુકાના વણોતી ગામથી ડાકોર જવા આવવા માટે શેઢી નદીનો રસ્તો ટૂંકો છે. ડાકોર જવા માટે ફક્ત એક કિ.મી. અંતર હોવાથી રોજ ૨૦૦ વિદ્યાર્થીઓ ચાલતા જીવના જોખમે શેઢી નદીના પાણી ઓસરી જાય ત્યારે પાણીમાંથી ચાલતા ડાકોર શાળાએ જાય છે. તે જ રીતે ડાકોર મંદિરમાં નોકરી કરતા કર્મચારીઓ, શાકભાજીવાળા સહિતના લોકો પણ આ જ હાલાકી ભોગવી રસ્તો પસાર કરવા મજબૂર બને છે. અત્યારે શેઢી નદી બે કાંઠે વહી રહી છે. ડાઈવર્જન ન હોવાથી લોકો નદીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. ડાઈવર્જનના રસ્તાના ભૂંગળા પણ ચોમાસામાં વહી ગયા છે. ત્યારે વહેલી તકે નવું ડાઇવર્જન બનાવવા તેમજ પુલનું ત્વરિત કામ શરૂ કરવામાં માંગણી ઉઠી છે.


