નડિયાદ, તા. 14 એપ્રિલ 2019, રવિવાર
ગળતેશ્વર તાલુકાના ડાભસર ગામે પટેલ ફળિયા, ખ્રિસ્તી ફળિયુ, પરમાર ફળિયાઓમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની મુશ્કેલી સર્જાઇ છે.આ વિસ્તારમાં સવારે નવ વાગ્યા સુધી પાણી ન મળતુ હોવાની ફરિયાદો ઉઠી છે.તેમજ પંચાયત હસ્તકની વોટર વર્કસમાંથી સમયસર પાણીની મોટર ચાલુ ન કરતા હોવાની ફરિયાદ છે.તેમજ ગામમાં આવેલ અમુક વિસ્તારો ઉંચાઇ પર આવેલા છે.જેના કારણે પાણી પહોચી શકતુ ન હોવાને કારણે ઉનાળો આવતા પાણીના પોકારો ઉઠયા છે.
આ વિસ્તારો તરફ જતી પાણીની લાઇનમાં ગેરકાયેદસર રીતે પંચર કરીને એક થી દોઢ ઇંચના કનેકશનો લેવામાં આવ્યા છે.તદઉપરાંત આ કનેકશનોમાંથી ગેરકાયેદસર પાણી લઇ ઉનાળા દરમિયાન વાવેલ બાજરીમાં પાણી છોડી મુકવામાં આવે છે.જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી પહોચી શકતુ નથી.જ્યારે અમુક વિસ્તારોમાંતો પાણીની પાઇપ છે પણ પાણી પહોચતુ ન હોવાની ફરિયાદો ઉઠી છે.
તેમજ અમુક વિસ્તારોમાં પાણીની પાઇપ લાઇનોમાં પાણીની લાઇનમાં ઇલેકટ્રીક મોટરો મુકી પાણી ખેચી લેવામાં આવે છે.જેના કારણે લોકોને પાણી વિના ટળવળવુ પડે છે.જ્યારે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી વધુ આવવાના કારણે ત્યાના રહીશો પીવાના પાણીનો ઉપયોગ ખેતરમાં ઉગાડેલા બાજરી અને શાકભાજીના ક્યારામાં પીવાનુ પાણી મુકે છે.
તે પણ કોઇની રોક ટોક વગર પીવાના પાણીનો બગાડ કરે છે.અને જેઓ ડાભસર ગામમાં સમયસર પાણી વેરો ભરે છે.તેમને પીવાના પાણી માટે વલખા મારવાનો વખત આવ્યો છે.ખ્રિસ્તી ફળિયામાં ૧૦ થી ૧૨ કુંટંબો રહે છે તેમાંથી એક કે બે ઘરમાં પાણી આવે છે.જ્યારે આ વિસ્તારમાં આવેલ હેન્ડપંપમાં ક્ષારવાળુ પાણી આવવાના કારણે ફકત ઉપયોગમાં લઇ શકાય છે પીવા માટે ઉપયોગમાં લઇ શકાતુ નથી.
જેથી ગ્રામજનોનો માંગ છેકે ઉંચાણવાળા વિસ્તારોમાં ફોર્સથી પાણી આપવામાં આવે અને નીચાણવાળા વિસ્તારોમાં ખેતરોમાં થતો પીવાના પાણીનો બગાડ અટકાવવામાં આવે.


