FOLLOW US

નડિયાદ શહેરના માઇ મંદિર ગરનાળા પાસે ગંદકીથી લોકો પરેશાન

Updated: May 22nd, 2023


- કચરાપેટીની આસપાસ પણ કચરાના ઢગ 

- વેપારીઓ રસ્તા પર કચરો ઠાલવતા હોવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી : લોકોને અવરજવરમાં મુશ્કેલી  

નડિયાદ : નડિયાદ શહેરમાં આવેલા માઈ મંદિર ગરનાળાની આસપાસ ગંદકીના પ્રશ્નને લઈને પ્રજા પરેશાન થઈ ગઈ છે. અનેક દિવસો સુધી અહીં સફાઈ કરવામાં આવતી ન હોવાથી આસપાસના રહીશો, રાહદારીઓ તેમજ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

નડિયાદ શહેરમાં ઠેર ઠેર પારાવાર ગંદકી જોવા મળે છે. તેમાંય છેલ્લા લાંબા સમયથી માઈ મંદિરની સામે તેમજ માઈ મંદિર ગરનાળા પાસે ગંદકીનો કાયમી જમાવડો જોવા મળે છે. 

મંદિર જેવા પવિત્ર સ્થાનની આસપાસ પણ તંત્ર દ્વારા નિયમિત સફાઈ કરવામાં આવતી નથી. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા માઇ મંદિર ઘરનાળામાંથી રોજ મોટી સંખ્યામાં રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થાય છે. પરંતુ ગરનાળાની બંને બાજુ ઠલવાતા કચરાને કારણે ગરનાળામાં ભારે ગંદકી ફેલાઈ જાય છે. આ ઉપરાંત ખોરાકની શોધમાં રખડતા પશુઓ પણ ગરનાળાની અંદર તેમજ આસપાસ કાયમી અડિંગો જમાવીને બેસી જાય છે. જેને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને અવરજવર કરવામાં પણ જોખમ રહે છે. 

ગરનાળાના માઈ મંદિર તરફના રોડ ઉપર બારેમાસ ગંદકી ખડકાયેલી જોવા મળે છે. જ્યારે સંતરામ રોડ તરફના ભાગે  વેપારીઓ દ્વારા કચરો ઠાલવવામાં આવતો હોવાથી ત્યાં પણ કચરાપેટીની આસપાસ જ કચરાના ઢગ ખડકાયેલા જોવા મળે છે. તંત્ર  દ્વારા આ ગરનાળાની સફાઈ પરત્વે વર્ષોથી ઉપેક્ષા રાખવામાં આવે છે.  ગટરના પાણી અને કચરાના કાયમી ઢગલાને કારણે આ વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ પણ ફેલાતી હોવાથી રહીશો માટે ત્રાસદાયક સ્થિતિ ઉપસ્થિત થાય છે.

Gujarat
IPL-2023
Magazines