નડિયાદ પાલિકા દ્વારા ઓનલાઈન ટેક્સ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરાઈ
- ઘરે બેઠા પ્રોપર્ટી ટેક્સ ભરી શકાશે
- બીલ પરના ક્યુઆર કોડ અથવા વેબસાઈટ પરથી ટેક્સ ભરી શકાશે
નડિયાદ : નડિયાદ નગરપાલિકા દ્વારા ઓનલાઇન પ્રોપર્ટી ટેક્સ ભરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેથી નગરજનો ઘરે કે ઓફિસમાં બેઠા બેઠા નિરાંતે ટેક્સ પેમેન્ટ કરી શકશે. પાલિકા દ્વારા ઓનલાઇન પેમેન્ટ માટે પણ નગરજનોને બે ઓપ્શન આપવામાં આવ્યા છે.
નડિયાદ નગરપાલિકા દ્વારા ટેક્સ પેમેન્ટની ઓનલાઇન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જેથી લોકોને પાલિકામાં જઈને, લાઈનમાં ઊભા રહીને ટેક્સ ભરવાની નોબત નહીં આવે. પાલિકા દ્વારા ઓનલાઇન ટેક્સ પેમેન્ટ પણ સરળ રહે અને કોઈપણ નાગરિક ઓનલાઇન પેમેન્ટ કરી શકે તેનું ખાસ ઘ્યાન રાખવામાં આવ્યું છે. પેમેન્ટ માટે પાલિકા દ્વારા બે અલગ અલગ ઓપ્શન આપવામાં આવ્યા છે જેમાં એક ઓપ્શનમાં બિલ ઉપરના ક્યુ આર કોડને સ્કેન કરીને મોબાઈલ નંબર તેમજ ઈમેલ આઇડી નાખીને ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે, જ્યારે બીજા ઓપ્શનમાં પાલિકાની વેબસાઈટ ઉપર જઈને નાગરિકો ટેક્સ ભરી શકશે.