પોલીસીના રૂપિયા ચૂકવવાના નામે મહિલા સાથે ઓનલાઈન છેતરપિંડી
- નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ
- તમારા પતિએ નંબર આપ્યો છે કહી વિશ્વાસમાં લઈ મહિલાને લિંક મોકલી ગઠિયો રૂપિયા 33 હજાર ઓળવી ગયો
નડિયાદ પશ્ચિમ આઈ.જી. રોડ ઉપર જલ તરંગ સોસાયટીમાં શિવાંગીબેન ધવલભાઈ મહેતા રહે છે. તેમના પતિ ટયુશન ક્લાસીસ ચલાવે છે. તેઓ તા.૨૯/૬/૨૪ ની બપોરે ઘરે હતા. ત્યારે તેમના મોબાઈલ ઉપર હિન્દી ભાષામાં અનિલ શર્મા હોવાનું જણાવી તમારા પતિને પોલીસીના રૂ.૧૨,૦૦૦ ચૂકવવાના છે, જેથી તમારા પતિએ તમારો નંબર આપ્યો છે તેમ જણાવી ચાલુ ફોને રૂ.૧૦ નાખ્યા હતા જે ચેક કરતા મહિલાના ખાતામાં ૧૦ રૂપિયા ક્રેડિટનો મેસેજ આવ્યો હતો. બાદ તુરંત જ રૂ.૧૦,૦૦૦ જમા કરાવ્યાનો મેસેજ આવ્યો હતો. આ મેસેજ આવ્યા પછી ગઠીયાએ હવે બાકીના રૂ.૨,૦૦૦ તમારામાં ખાતામાં નાખવાનું કહ્યા બાદ મહિલાના મોબાઈલ પર રૂ.૨૦,૦૦૦નો મેસેજ આવ્યો હતો. તમારા ખાતામાં ભૂલથી રૂ.૧૮,૦૦૦ વધારે આવ્યા છે તે મોકલાવેલી લિંક મારફતે પરત કરવા જણાવ્યું હતું. જે લિંક ઓપન કરતાની સાથે જ છ રૂ.૫,૦૦૦ ના તેમજ રૂ. ૩,૦૦૦ ડેબિટ થયાના મેસેજ આવ્યા હતા. આમ મોબાઈલમાં અનિલ શર્મા નામ જણાવનારા ગઠીયાએ પોલિસીના પૈસા ચૂકવવાના છે કહી લીંક ઓપન કરવાનું કહી રૂ. ૩૩ હજાર પોતાના ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી.
આ બનાવ અંગે શિવાંગીબેન ધવલભાઈ મહેતાએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાયબર ક્રાઈમનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.