Get The App

કપડવંજ પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર સાથે પોણા લાખની ઓનલાઈન છેતરપિંડી

Updated: Jul 15th, 2024

GS TEAM

Google News
Google News
કપડવંજ પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર સાથે પોણા લાખની ઓનલાઈન છેતરપિંડી 1 - image

- સોશિયલ મીડિયામાં બિમારીની સારવારની જાહેરાત જોવી મોંઘી પડી

- આયુર્વેદિક ટ્રિટમેન્ટ હરિદ્વારમાં કરાવવા ટ્રેન ટિકિટ અને ટેસ્ટ ચાર્જ પેટે ગઠિયાએ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા

કપડવંજ : કપડવંજ નગરપાલિકાના પુર્વ પ્રમુખ પ્રજ્ઞાનેશભાઈ સોનીના પુત્ર સાથે પોણા લાખની ઓનલાઈન છેતરપિંડી થઈ છે. હાર્ટ અને બીપીની બિમારી અંગે પતંજલિ ટ્રિટમેન્ટ હરિદ્વારમાં કરાવવાની સોશિયલ મીડિયામાં જાહેરાતના આધારે ૧૦ દિવસના રોકાણ, ટ્રેન ટિકિટ અને ટેસ્ટ ચાર્જ પેટે ઓનલાઈન ભરાવ્યા બાદ ગઠિયાએ ફોન રિસિવ કરવાનું બંધ કરી દેતા પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રને ઓનલાઈન ફ્રોડ થયું હોવાની જાણ થતા કપડવંજ ટાઉન પોલીસ મથકે અજાણ્યા મોબાઈલ ધારક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

પ્રજ્ઞાનેશભાઈ સોનીને હાર્ટ તેમજ બીપીની બિમારી હોવાથી ફેસબુકમાં આયુર્વેદિક ટ્રીટમેન્ટની જાહેરાત જોતા અને ટ્રીટમેન્ટ અંગે અવારનવાર વાતચીત કરતા હતા. ત્યારે તા. ૧૮મીના રોજ એક મોબાઇલ ફોન આવેલો કે, ટ્રીટમેન્ટમાં હાલ ડિસ્કાઉન્ટ ચાલે છે, હરિદ્વાર ખાતે ૧૦ દિવસનું રોકાણ કરી ટ્રીટમેન્ટ કરાવવામાં આવશે જે પેટે અમુક રકમ એડવાન્સ ભરવાની રહેશે. કહીને વિશ્વાસમાં લીધા હતા. ત્યાર બાદ બુકિંગ કન્ફર્મેશનનો લેટર અને પેમેન્ટ ડીટેલની પીડીએફ મોકલવા જણાવ્યું હતું. જેમાં પ્રજ્ઞાનેશભાઈ સોનીના પુત્ર મૌનિલ સોનીએ ૪૬,૫૦૦ ગુગલ-પેથી ટ્રાન્સફર કર્યા હતા. તા. ૩૧મી મેના રોજ આ નંબરથી અલગ અલગ પીડીએફ કરેલી જેનું પેમેન્ટ ૧૭,૮૪૧ એમેઝોન એપ્લિકેશનથી ટ્રાન્સફર કર્યું હતું તેમજ ટ્રેન ટિકિટ તથા ટેસ્ટ ચાર્જના ૧૦,૦૦૦ પણ ટ્રાન્સફર કર્યા હતા. 

બાદમાં મૌનિલે અવારનવાર ફોન ઉપર ટિકિટ અને ટ્રીટમેન્ટ અંગે વાત કરતા વ્યવસ્થિત જવાબ આપતા ન હતા, તેમજ ફોન રિસિવ પણ કરતા ન હોવાથી ૭૪,૩૪૧ રકમ કોઈક ઓળવી ગયું હોવાની અને પોતાની સાથે સાયબર ફ્રોડ થયું હોવાનું લાગતાં ૧૯૧૩ નંબર ઉપર તેમણે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ સંદર્ભે મૌનિલ સોનીએ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મોબાઈલ ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.