- દિવાળી પહેલાં નવો ડામર રોડ બનાવવા માંગ
- બાલાસિનોર, મોડાસા, બાયડ સહિતના ગામોને જોડતો રસ્તો હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી
ઠાસરા : ગળતેશ્વર તાલુકાના અંબાવથી ડાભસર ગામ તરફ જવાનો ૨ કિ.મી.ના રસ્તા પર ૧૫૦થી વધુ ખાડાઓ પડી જવાથી ગ્રામજનો સહિતના વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
અંબાવથી ડાભસર ગામ તરફ જવાના ખેડા જિલ્લા પંચાયતનો મકાન અને માર્ગ વિભાગ ડાકોરના રસ્તા પર આ વર્ષે ચોમાસામાં મોટા ખાડા પડી ગયા છે. રસ્તા પરના મેન્ટલ ઉખડી જતાં વાહનોના ટાયર પંક્ચર થઈ જાય છે. ડાભસર મહી કેનાલના આડ બંધ સુધી દોઢ કિલોમીટરના અંતરમાં ૧૫૦થી વધુ ખાડા પડી જવા પામ્યા છે.
બાલાસિનોર, મોડાસા, બાયડ, લુણાવાડા, સંતરામપુર જવા માટે આ ટૂંકો રસ્તો હોવાથી તેમજ ગળતેશ્વર તાલુકાના ૧૫થી વધુ ગામોમાં કોઈનું અવસાન થાય તો સ્વજનો ગળતેશ્વર મહાદેવ ખાતે અંતિમવિધીએ લાવવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે.
ઉપરાંત આ રસ્તો વડોદરા જિલ્લાને જોડતો રસ્તો હોવાથી સુરત તરફથી આવતા ફાગવેલ ભાથીજી મહારાજ મંદિર પદયાત્રીઓને અને પાવાગઢ જતાં પદયાત્રીઓ આ રસ્તાનો ઉપયોગ કરે છે. ત્યારે ટ્રાફિકથી સતત ધમધમતા આ રસ્તા પર દિવાળી પહેલાં ડામરનો નવો માર્ગ બનાવવા માટે ગ્રામજનો અને વાહનચાલકો દ્વારા માંગ ઉઠી છે.


