Get The App

નડિયાદમાં કાંસ પરથી 20 દુકાનો ખાલી કરવા નોટિસ

Updated: Sep 4th, 2024

GS TEAM

Google News
Google News
નડિયાદમાં કાંસ પરથી 20 દુકાનો ખાલી કરવા નોટિસ 1 - image

- પ્રિ-મોન્સૂનની પોલ ખુલ્યા બાદ પાલિકા તંત્ર જાગ્યું

- અડધુ ચોમાસુ વિત્યા બાદ 12 કિલોમીટર લાંબી કાંસની સફાઈ અંતે હાથ ધરાઈ

નડિયાદ : ગત અઠવાડિયે પડેલા વરસાદ દરમિયાન નડિયાદ પાલિકાના પ્રિ-મોન્સૂન કામગીરી દાવા પોકળ સાબીત થયા હતા. કાંસની સફાઈના અભાવે શહેરના કેટલાય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈ આખરે પાલિકા તંત્ર જાગ્યું હતું અને શહેરમાં ૧૨ કિલોમીટર જેટલી કાંસની સફાઈ કરી હતી. તેમજ કાંસ ઉપરની ૨૦ જેટલી જર્જરીત દુકાનોને ખાલી કરવા નોટિસ ફટકારી છે. 

નડિયાદમાં ગત અઠવાડિયે ત્રણ દિવસમાં ૨૨ ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ અને કાંસની યોગ્ય સાફ-સફાઈના અભાવે શહેરના સંતરામ રોડ સહિત મુખ્ય માર્ગો અને નિચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હતા. નડિયાદ પાલિકા દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરીના દાવા પોકળ સાબીત થયા હતા. 

ત્યારે આખરે પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકા દ્વારા છેલ્લા ચાર દિવસમાં શહેરમાં ૧૨ કિલોમીટરથી લાંબી કાંસની સફાઈ કરવામાં આવી છે. ખેતા તળાવથી પારસ સર્કલ થઈ વીકેવી અને બસસ્ટેન્ડ તરફ જતી અને ત્યાંથી પાલિકાની પાછળ થઈ મહિલા આર્ટ્સ કોલેજ અને ત્યાંથી જીઆઈડીસી નાકા સુધી કાંસની સફાઈ કરાવી હતી. 

તેમજ શ્રેયસ ગરનાળાથી પુનિત કોલોની, કલેક્ટર ઓફિસથી ઝારોલ સુધીના કાંસની તેમજ ચકલાસી ભાગોળ થઈ મૂળેશ્વર તળાવ પીલવાઈ તલાવડી સુધી સફાઈ કરાઈ હતી. 

ઉપરાંત શહેરના માહિતી ભવન પાસે આવેલા કાંસ પાસે બાંધવામાં આવેલા કાચા બાંધકામો, પતરાના શેડ દૂર કરાયા હતા. તેમજ કાંસમાં સિટી જીમખાના મેદાનના પાણીનો પણ નિકાલ થાય તેવી વ્યવસ્થા કરી હતી. ઉપરાંત સરદાર પ્રતિમાથી બસસ્ટેન્ડ તરફ જતી કાંસ પરની ૨૦ જેટલી જર્જરીત દુકાનોને નોટિસ ફટકારી ખાલી કરવા પાલિકાએ સૂચના આપી હતી. તેમજ દુકાનો ખાલી કર્યા બાદ પાલિકા ત્યાંથી કાંસની સફાઈ કરશે.