- સત્વરે કાયમી ઉકેલ લાવવા માંગ
- ખાડામાં બારેમાસ ગટરના પાણી ભરાયેલા રહેતા અકસ્માતનો ભય
નડિયાદ શહેરમાં ભૈરવનાથ મંદિર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી શરૂ થઈ કેર હોસ્પિટલ અને ત્યાંથી શારદા મંદિર શાળાએ થઈ ચકલાસી ભાગોળ-ડાકોર રોડને જોડતો દોઢેક કિલોમીટરનો રોડ આવેલો છે. આ રોડ અગાઉ લાખો રૂપિયાના ખર્ચે બનાવાયો હતો. પરંતુ રોડ બનાવ્યાના ગણતરીના મહિનાઓમાં જ તે બિસ્માર બની ગયો હતો.
આ રસ્તા પર ગટરોનું લેવલિંગ યોગ્ય રીતે કરાયેલુ નથી, જેના કારણે ગટરના પાણી વારંવાર ઉભરાઈને રોડ પર રેલાઈ રહ્યા છે. જેને લીધે રસ્તા પર બારેમાસ ગટરનું પાણી ભરાયેલું રહે છે. આ રોડ મરીડા રોડ અને ડાકોર રોડ તરફની અવર-જવર માટે ટુંકો રસ્તો હોવાથી તેમજ અનેક રહેણાંક વિસ્તારો હોવાથી સતત વાહનોની અવરજવર રહેતી હોય છે.
તેમજ શારદા મંદિર સ્કૂલથી ડાકોર રોડ સુધીનો ૧૦૦ મીટરનો રોડ અત્યંત બિસ્માર હોવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે નગરપાલિકા દ્વારા આ રોડ બનાવવાનું આયોજન કરવામાં આવનાર હોવાનું પાલિકા સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું. રસ્તા અને ગટરની સમસ્યા બાબતે પાલિકા તંત્ર દ્વારા સત્વરે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. તેમજ હાલ અવરજવરની સુચારૂ વ્યવસ્થાના ભાગરૂપે છારૂ નાખવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.


