Get The App

ચરોતર પ્રદેશમાં વરસાદે બોલાવી ધડબડાટી, સૌથી વધુ આ તાલુકામાં 7 ઈંચ, કપડવંજ-કઠલાલમાં 5-5 ઈંચ

Updated: Sep 4th, 2024

GS TEAM

Google News
Google News
ચરોતર પ્રદેશમાં વરસાદે બોલાવી ધડબડાટી, સૌથી વધુ આ તાલુકામાં 7 ઈંચ, કપડવંજ-કઠલાલમાં 5-5 ઈંચ 1 - image

Gujarat Nadiad Rain Updates | હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ચરોતર પ્રદેશ ગણાતા ખેડા જિલ્લામાં દિવસ દરમિયાન ઝરમર વરસાદ બાદ સાંજે છુટાછવાયા સ્થળોએ વરસાદ વરસ્યો હતો. ત્યારે મોડી રાત્રે કડાકા ભડાકા સાથે ફરી વરસાદ નડિયાદ પંથકમાં તૂટી પડયો હતો. નડિયાદ તાલુકામાં ૭, કપડવંજ અને કઠલાલમાં પાંચ જ્યારે મહુધામાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ખેડા જિલ્લામાં સાર્વત્રિક પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.

શ્રાવણ માસના અંતમાં અમાસના દિવસે અને ભાદરવાની શરૂઆતમાં મેઘરાજા બીજા રાઉન્ડમાં પ્રવેશી ફરી સૌને તરબોળ કરી રહ્યા છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં દિવસ દરમિયાન છુટાછવાયા સ્થળોએ ઝરમર વરસાદ વરસ્યો હતો. મોડી સાંજે નડિયાદમાં મેઘરાજાએ ધમધમાટી બોલાવી હતી અને ગાજવીજ સાથે નડિયાદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના ચમકારા સાથે અને ગાજવીજ સાથે વરસાદ વરસતા નડિયાદ શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જૌકે વરસાદ બંધ રહેતા કેટલીક જગ્યાએ આ પાણી ઓસરી પણ ગયા હતા. 

નડિયાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં છે. પીજ ભાગોળ, શૈશવનો ખાંચો, કોલેજ રોડ પર, આ સિવાય શહેરના ચારેય ગરનાળામાં વરસાદી પાણી ભરાયાં છે.? ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહારને અસર પડી છે. તો બીજી તરફ શ્રેયસ ગરનાળામાં ફુટપાથ પરથી ટુવ્હિલરો આવનજાવન કરી રહ્યા છે. આ ઉપરાંત બે બ્રીજ પર વાહનોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. જો કે, રાત્રે પાણી ભરાયા બાદ સવારે પાણીનો નિકાલ થઈ ગયો હતો અને પાલિકાની ટીમ દ્વારા ગરનાળાઓની સફાઈ કરી નાખવામાં આવી હતી. 

નડિયાદ શહેરના વ્હોરવાડ વિસ્તારમાં ૩ માળનું જુનવાણી મકાન તૂટી પડયું હતું. જાહેર રસ્તાની બાજુમાં જ આ કાટમાળ ઠલવાયો હતો. જોકે વહેલી સવારે ઘટના બનતા સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. મકાનમાં રાખેલો સામાન દબાઈ જતા માલિકને આથક નુકશાનીનો વારો આવ્યો છે.