- 2014 માં એસીબીના છટકામાં પકડાયેલા
- રૂ.૩૫૦૦ની લાંચ લેતા પકડાયા હતા : સેશન્સ કોર્ટે 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો
નડિયાદ માર્ગ અને મકાન વિભાગમાં સપ્ટેમ્બર, ૨૦૧૫માં ગોવિંદભાઈ દેવાભાઈ પરમાર સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. ૨૦૧૪માં માર્ગ અને મકાન વિભાગ દ્વારા નડિયાદ શહેરના જલારામ એવન્યુ સોસાયટી ખાતે સીસી રોડનું ટેન્ડર બહાર પાડયું હતું. જે ટેન્ડર બી.ટી. પટેલ કન્સ્ટ્રક્શન કંપનીના બ્રિજેશ પટેલને મળ્યું હતું. આ કામ ૨૦૧૫માં પૂર્ણ થતા કોન્ટ્રાક્ટર બિલ લેવા માટે માર્ગ અને મકાન વિભાગમાં પહોંચ્યા ત્યાં એકાઉન્ટન્ટની કામગીરી કરતા સિનિયર ક્લાર્ક ગોવિંદ પરમારે બિલો ચુકવવામાં આનાકાની કરી હતી. ટોટલ બિલના એક-એક ટકા વ્યવહાર કરવાનો થતો હોવાનું જણાવી કોન્ટ્રાક્ટરનું બિલ મંજૂર કરવા માટે ૩૫૦૦ રૂપિયાની માંગણી કરી હતી. જે અંગે કોન્ટ્રાક્ટરે જાણ એસીબીને કરી હતી. બાદમાં એસીબીએ છટકું ગોઠવીને સિનિયર ક્લાર્કને ૩૫૦૦ રૂપિયાની લાંચ સ્વીકારતા ઝડપી લીધા હતા. આ કેસ સેશન્સ અદાલતમાં ચાલવા પર આવ્યો હતો, જ્યાં સ્પે. જજ એસ.પી. રાહતકરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલે ફરીયાદી પક્ષે ૭ સાહેદ અને ૫૯ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. આ કેસમાં કોર્ટે આરોપી સિનિયર ક્લાર્ક ગોવિંદ પરમારને દોષી ઠેરવી ૪ વર્ષની કેદ અને ૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે.


