Get The App

નડિયાદમાં 70 લાખના ખર્ચે બનેલા મરીડા રોડનું ત્રણ વખત સમારકામ છતાં બિસ્માર

Updated: Aug 7th, 2024

GS TEAM

Google News
Google News
નડિયાદમાં 70 લાખના ખર્ચે બનેલા મરીડા રોડનું ત્રણ વખત સમારકામ છતાં બિસ્માર 1 - image

- સ્ટ્રોંગ ડેનેજ સિસ્ટમનો અભાવ કારણભૂત

- નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઇ, પાલિકાના પૂર્વ પ્રમુખ રંજન વાઘેલાએ 2022 માં રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું

નડિયાદ : નડિયાદના મરીડા ભાગોલથી શરૂ થઇ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષથી રિંગ રોડ તરફ જતો રસ્તો જાન્યુઆરી ૨૦૨૨માં પાલનપુરની નરેશ અગ્રવાલ એજન્સીએ ૭૦ લાખના ખર્ચે બનાવ્યો હતો. તે બાદ પ્રથમ જ વરસાદ રોડ બિસ્માર બન્યો હતો. ૩૦ મહિનામાં આ રોડનું ૩ વખત રોડનું સમારકામ કર્યું છતાં રોડ બિસ્માર હાલતમાં છે. એટલું જ સ્ટ્રોંગ ડ્રેનેજ સિસ્ટમનો અભાવ  અને રોડના નબળા કામથી આ સ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે નાગરિકોને હાલાકી વેઠવાની નોબત આવી છે. 

નડિયાદના વોર્ડ નં.૬માં આવેલા મરીડા ભાગોળથી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ થઈ અને રિંગ રોડ તરફ જતો રોડ માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૨ના જાન્યુઆરી માસમાં ૭૦ લાખના ખર્ચે બનાવાયો હતો. તે વખતે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા નગરપાલિકાના માજી પ્રમુખ રંજનબેન વાઘેલા, સ્થાનિક કાઉન્સિલરો અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને વિસ્તારના નાગરિકોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરી રોડની કામગીરી શરૂ કરાવી હતી. આ રોડ જાન્યુઆરીમાં બનાવ્યા બાદ માત્ર ૬ મહિનામાં જુલાઈ માસમાં જ સામાન્ય વરસાદમાં રોડ બિસ્માર બન્યો હતો. તે વખતે રોડનું સમારકામ કરાયુ હતુ, પરંતુ તે પણ વરસાદી સિઝનમાં ધોવાઈ ગયો હતો. 

આ બાદ ચોમાસા પુરુ થયા પછી પણ રોડ પર ડામર પાથરી અને ઉપયોગી બનાવવા પ્રયાસ કરાયો હતો. પરંતુ તે પછી પણ રોડ બિસ્માર બન્યો અને ૨૦૨૩માં પણ આ રોડનું રીસર્ફેસીંગ કરાયુ હતું. આટલુ ઓછુ હોય તેમ ચાલુ સિઝનમાં તાજેતરમાં ખૂબ વરસાદ પડતા આ રોડ બિનઉપયોગી બન્યો હતો અને અસંખ્ય ખાડાની સાથે રોડ ધોવાઈ ગયો હતો. જો કે, ગઈ ૧૯ જુલાઈ, ૨૦૨૪ના રોજ પુનઃ આ રોડ પર મેટલીંગ કરાયુ હતંુ અને રોડ ઉપયોગી બને તે પ્રકારે સમારકામ કરવાના પ્રયાસ કરાયા હતા.પરંતુ આ મેટલીંગ કર્યા બાદ આજે માત્ર ૧૮ દિવસમાં ફરી એકવાર મરીડા ભાગોળથી શરૂ કરી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સુધીનો રસ્તો ખખડધજ બન્યો છે અને તેમાંય ત્યાંથી આગળ રિંગ રોડ તરફ જવાના રસ્તે મસમોટા ખાડા પડયા છે અને આ રોડ ફરી બિનઉપયોગી બન્યો છે. 

 આ રોડ પર સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ સિસ્ટમના અભાવના કારણે વારંવાર રોડ બનાવવા છતાં ગણતરીના દિવસોમાં રોડ બિસ્માર બની રહ્યો છે. એકતરફ જ્યાં રાજકીય નેતાઓ દ્વારા ટેકનીકલ નોલેજની વાતો કરવામાં આવતી હતી, ત્યાં હવે ટેકનિકલ રીતે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ સિસ્ટમ ઉભી કર્યા સિવાય વારંવાર રોડનું નિર્માણ કરાવી પ્રજાના ટેક્સના નાણાંનો વેડફાટ કરાવવામાં આવી રહ્યો છે.

અધિકારીઓએ ફોન રિસીવ ન કર્યો ન હતો

આ સમગ્ર મામલે માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના નડિયાદ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર કે. એચ. રાઠોડનો વારંવાર સંપર્ક કરવા છતાં તેમણે કોલ રિસીવ કર્યો ન હતો અને તેમની કચેરીમાં પણ હાજર મળ્યા ન હતા. બીજીતરફ માર્ગ અને મકાન પંચાયત વિભાગના કાર્યપાલક ઈજનેર ધર્મેશ હળપતિનો સંપર્ક કરતા તેમણે પણ કોલ રિસીવ કર્યો ન હતો.