ઠાસરા શહેરમાં ગટર ઉભરાતા વગર વરસાદે ચોમાસા જેવો માહોલ : રોગચાળાની દહેશત
- કોરોનાની મહામારીમાં મચ્છરજન્ય રોગચાળાનો ભય
- સ્થાનિક રહીશોએ મંજૂરી વિના ગટરના જોડાણો લીધા હોવાથી આ સમસ્યા સર્જાઈ રહી છે : ચીફ ઓફિસર
નડિયાદ, તા. 19 જુલાઈ 2020, રવિવાર
ઠાસરા શહેરમાં વગર વરસાદે બજાર ગટરના પાણીથી ઉભરાઇ છે.જેની અસહ્ય દુર્ગધ થી સ્થાનિક નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે.શહેરના બજારોમાં પણ ગટર ગંગાએ વિકરાળરૂપ ઘારણ કર્યુ છે. ઠાસરા શહેરમાં જોઇએ તેટલો વરસાદ વરસ્યો નથી.
તેમ છતા શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરો ઉભરાવાની શરૂઆત થઇ છે.ઠેર ઠેર ગટરો ઉભરાવવાના કારણે બજારમાં ખરીદી કરવા માટે આવતા સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.શહેરમાં પાંચ વર્ષ પહેલા બનાવેલ ગટરો ઉભરાવવાની શરૂઆત થઇ ગઇ છે.છેલ્લા ચાર-થી પાંચ દિવસમાં શહેરની મેઇન બજાર હોળી ચકલાથી પરબડી,મસ્જીદ થી હાર્દ સમા ટાવર પાસેના સ્થળ પાસે આવેલી ગટરો ઉભરાઇ છે.જેનુ પાણી શહેરના મુખ્ય માર્ગો પર વહેતુ હોવાથી અસહ્ય દુર્ગઘ મારવાના કારણે સ્થાનિક નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે.
શહેરના પરબડી ટાવર સુધીનો ૨૦૦ થી ૩૦૦ ફુટના જાહેર માર્ગે પર ગટરના પાણીના પાણી વહી રહ્યા છે.જેના કારણે આ વિસ્તારમાં આવેલી દુકાનોમાં કોઇ સ્થાનિક નાગરિક વસ્તુ ખરીદી કરવા માટે જતુ નથી.તેમજ આ રસ્તા પરથી પસાર થતા વાહનો રાહદારીઓને ગટરના પાણીના છાંટ ઉડવાના કારણે કપડા ખરાબ થાય છે.છેલ્લા ચાર- પાંચ દિવસથી ગટરનુ પાણી વહેવાના કારણે રસ્તા પર ખાડા પડી ગયા છે.ગટરના પાણીના ફેલાવાના કારણે સ્થાનિક લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય સતાવે છે.આ ઉપરાતં રામચોકથી ભાથીજી મંદિર તરફ ખાડામાં ગટરના પાણી ભરાઇ રહ્યા છે.રાહદારીઓને ગટરના પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.સ્થાનિક લોકોની માંગ છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભરાતી ગટરોને ત્વરીત સમારકામ કરવામાં આવે,
આ અંગે ઠાસરા પાલિકા ચીફઓફિસર ડી.ડી.શ્રીમાળીનો સંપર્ક સાઘતા તેમણે જણાવ્યુ હતુ કે વર્ષ ૨૦૧૫-૧૬માં શહેરમાં ગટરો નાખવામાં આવી હતી.પરંતુ જે તે સમયે શહેરના નાગરિકોએ કોઇ પણ મંજૂરી લીધા વિના મનસ્વી રીતે ગટરના કનેકશનો લીધા છે.
નિયમોનુસાર મુખ્ય કે આજુબાજુની કુંડીમાં જોડાણ આપવુ પડે પરંતુ કેટલાક મિલકત ઘારકોએ ગ્રેવીટી જોયા સિવાય જોડાણ આપેલ છે.જેથી હાલની ગટરોમાં ગમે તે ચીજવસ્તુઓ પાણીમાં જવાના કારણે ગટર બંધ થઇને ઉભરાય છે.એકાદ બે દિવસમાં ગટરો સાફ કરી દેવામાં આવશે.