યાત્રાધામ ગળતેશ્વરમાં લાખો ભક્તોએ મહી નદીમાં આસ્થાની ડૂબકી લગાવી
- હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન
- શ્રધ્ધાળુઓની ભીડને લઈ ધુળેટીના દિવસે ચાર કિ.મી. સુધી ટ્રાફિકજામ સર્જાયો
નડિયાદ, તા,22 માર્ચ 2019, શુક્રવાર
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ગળતેશ્વર ખાતે હોળી-ધુળેટીના પર્વ નિમિતે લાખો શ્રધ્ધાળુઓએ મહિ નદીમાં આસ્થાની ડુબકી લગાવી હતી. આશરે બે લાખથી વધુ લોકોએ નદીમાં સ્નાન કર્યુ હતુ.પર્વ નિમિતે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયુ હતુ.ગળતેશ્વરમાં ગઇકાલે આશરે ચાર કિ.મી સુઘીનો લાંબો ટ્રાફીક જોવા મળ્યો હતો.
યાત્રાધામ ગળતેશ્વર ખાતે હોળી-ધૂળેટીના તહેવારમાં લાખો યાત્રાળુઓએ દર્શનનો લ્હાવો લીધો હતો. દર્શન બાદ મહી નદીમાં સ્નાન કરવાના મહિમાને કારણે નદીમાં સ્નાન કરનારાઓની સંખ્યામાં પણ વારો જોવા મળ્યો હતો.
અંબાવ ફાટકથી ગળતેશ્વર માહદેવ સુધી આશરે ચાર કિ.મી લાંબો ટ્રાફીક જોવા મળ્યો હતો.જ્યારે મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા કોઇ અનઇચ્છનિય બનાવ ન બને તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ નદીના પટ્ટ વિસ્તારમાં એન.ડી.આર.એફની ટીમોએ ખડેપગે ઉભા રહી પોતાની ફરજ અદા કરી હતી.
મંદિર ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પદયાત્રીકોેને તાપના કારણે પગમાં છાલા ન પડે તે માટે લીલુ કાર્પેટ પાથરવામાં આવ્યું હતું. આજના દિવસે અત્યાર સુધીમાં મહીસાગર નદીમાં ઘણા માણસો ડૂબવાના બનાવો બન્યા છે ત્યારે આ વખતે વહીવટી તંત્રએ તકેદારી રાખતા કોઇ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો. આ સમયે યાત્રિકો માટેની પાયાની સુવિધા ન હોવાની વાત આંખે વળગતી જોવા મળી હતી.