Updated: May 22nd, 2023
- સંબંધ બાંધવા દબાણ કરતો હતો, ધમકીઓ આપતો હતો
- આરોપી યુવકની પોલીસે ધરપકડ કરી આપઘાત માટે દુષ્પ્રેરણાના અંગે ગુનો નોંધાયો
કપડવંજ તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતા સાથે ખેત મજૂરી કરતા મોસીન નિઝામુદ્દીન સૈયદ નામના ઈસમ સાથે પરિચય થયો હતો. સામાન્ય વાતચીતનો દોર શરૂ થયાં બાદ મોસીન પરિણીતાના એક તરફી પ્રેમમાં પડયો હતો. તે પરિણીતાને પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરવા લાગ્યો હતો. જોકે, પરિણીતા મોસીનના દબાણને વશ થઈ ન હતી. આ દરમિયાન પરિવારજનો દ્વારા પરિણીતાને તેની સાસરીમાં વળાવી દેવામાં આવી હતી. જેને લઈને મોહસીન ગિન્નાયો હતો. તે વારંવાર પરણીતાને સંબંધ બાંધવા માટે વધુ દબાણ કરી તેને ધાકધમકી આપવા લાગ્યો હતો. જેને કારણે પરિણીતા પરેશાન થઈ ગઈ હતી. થોડા સમય પહેલા પરિણીતા તેના પિયરમાં આવતાં જ મોસીને ફરીથી તેને પ્રેમ સંબંધ બાંધવા માટે ધાકધમકી આપી હતી. મોહસીનને સમજાવવાનો પ્રયત્ન કરવા છતાં તે પરણીતાને પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરીને ત્રાસ આપતો હતો. અંતે દસેક દિવસ પહેલાં આ ત્રાસથી કંટાળેલી ૨૬ વર્ષની પરિણીતાએ દહિયપ ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું. જે તે સમયે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જેમાં પરિણીતાએ મોસીનના અસહ્ય ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું બહાર આવતાં, કપડવંજ રૂરલ પોલીસ દ્વારા મોહસીન સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી.
છેલ્લા ૨૪ કલાકના ટૂંકા ગાળામાં જ વિધર્મીઓના ત્રાસથી કંટાળીને બે હિન્દુ દીકરીઓએ આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે. આ બંને મામલાને ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા પણ વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે.
મોસીનઅલી પરણિતાને છેલ્લા લાંબા સમયથી પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરીને ધાકધમકી આપતો હતો. જો પરણીતા સંબંધ ન રાખે તો તેને બદનામ કરી દેવાની ધમકી મોસીન આપતો હોવાથી તે કંટાળી ગઈ હતી.