માર્કેટયાર્ડો કર્મીઓ વિવિધ માંગણીઓ મામલે કાળીપટ્ટી બાંધી વિરોધ કરશે
- નડિયાદ, કપડવંજ અને મહેમદાવાદના
- આગામી દિવસોમાં કોઈ ઉકેલ નહીં આવે તો પ્રતીક ઉપવાસ આંદોલન કરવાની કર્મચારી સંઘની ચિમકી
નડિયાદ, તા. 22 જુલાઈ 2020, બુધવાર
નડિયાદ,કપડવંજ અને મહેમદાવાદ એ.પી.એમ.સી.ના કર્મચારીઓ વિવિધ માંગણીઆ મુદ્દે ત્રણ દિવસ સુધી કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવશે. ઉપરાંત આગામી દિવસોમાં તેમની માંગણીઓ નહિં સંતોષાય તો પ્રતિક ઉપવાસ આંદોલન કરવાની ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘે ચિમકી પણ ઉચ્ચારી છે.
૬મેના રોજ સરકાર દ્વારા બજાર ધારામાં વટહુકમ દ્વારા ૨૬ જેટલા સુધારા અમલી બનાવ્યા છે જેને આવકારવામાં આવે છે પણ આ સુધારા પૈકી અમુક સુધારા બજાર સમિતિના કર્મચારીઓના હિતો અને આર્થિક સ્થિતિ પર અસર કરે છે. આ મુદ્દે ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે છતાં પણ આજદિન સુધી કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવાયો નથી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કર્મચારીઓને સેલેરી પ્રોટેક્શન અને ભવિષ્યમાં મળવાપાત્ર લાભ મળે. ફિલ્ડ સ્ટાફ અને માર્કેટીંગ ઈન્સ્પેક્ટરની સેવા નિયામક વહીવટી તંત્રના હવાલે મુકવામાં આવે તેવી વિવિધ માંગણી કરાઈ હતી જેની આજદિન સુધી કોઈ પ્રતિક્રિયા મળી નથી. તેના વિરોધમાં કર્મચારીઓ દ્વારા ત્રણ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે વિરોધ નોંધાવશે. જો માંગણી સંતોષવામાં નહી આવે તો આગામી દિવસોમાં ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન હાથ ધરાશે.