- સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું
- હજૂ પણ નગરના વિવિધ વિસ્તારોમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયેલો યથાવત્
કઠલાલ નજીક ખોખરવાડા બ્રિજ ઉપર શનિવારે સામાન્ય તકરાર બાદ બે કોમ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. કઠલાલ પોલીસ સ્ટેશનની બહાર હિન્દુ અને મુસ્લીમ સમાજના એકત્ર થયેલા ટોળીમાંથી કેટલાક શખ્સોએ ગેરેજ અને બાઈકને નુકસાન પહોંચાડયું હતું.
તેમજ રસ્તાની સાઈડમાં એક બાઈકને સળગાવી દઈ અનેક રીતે નુકસાન પહોંચાડયું હતું. પરિણામે કઠલાલમાં વાતાવરણ તંગ બન્યું હતું. આ બનાવને લઈ જિલ્લા પોલીસ વડા, જિલ્લા પોલીસની ટીમ, આણંદ અને અમદાવાદ પોલીસ કઠલાલ આવી ગઈ હતી. ઉપરાંત ગાંધીનગર એસઆરપીની ટીમને પણ બંદોબસ્ત માટે બોલાવવામાં આવી હતી. જેથી બપોર બાદ દુકાનો સદંતર બંધ રહી હતી અને નગરમાં અજંપાભરી શાંતિ હતી.
રવિવારે બજારો બંધ રહ્યા બાદ સોમવારે વહેલી સવારથી બજારો નિયમિત રીતે ખુલી ગઈ હતી. નગરજનો પણ બજારમાં ખરીદી કરવા પહોંચ્યા હતા. ત્યારે આવનાર તહેવારોને ધ્યાને લઈ શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હજૂ પણ વિવિધ વિસ્તારોમાં વિવિધ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.


