ખેડા જિલ્લામાં મોડી સાંજે વરસાદી ઝાપટાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
- કેટલાંક સ્થળે ધોધમાર ઝાપટાંથી વીજપુરવઠો ખોરવાયો : ખેતી પાકને પણ નુકસાન પહોંચ્યું
નડિયાદ, તા.6 જૂન 2020, શનિવાર
ખેડા જિલ્લામાં શુક્રવારની મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. આખા દિવસના ભયંકર ઉકળાટ બાદ મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ સહિત મહેમદાવાદ, કઠલાલ, કપડવંજ, મહુધા, સેવાલિયા સહિત તાલુકા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. જિલ્લામાં નિસર્ગ વાવાઝોડાની અસર પૂર્ણ થવાને આરે છે ત્યારે શુક્રવારની મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. દિવસમાં ગરમીનો પારો ઉંચો અને વાતાવરણમાં બાફ જોવા મળ્યો હતો. મોડી સાંજે ભારે પવન અને વીજળીના કડાકા સાથે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તો ક્યાંક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સૃથાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. નડિયાદ શહેરના પીજરોડ,વૈશાલી ગરનાળુ, રબારીવાસ સંતરામ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.શહેરને બે ભાગમાં વહેંચતા શ્રેયસ ગરનાળા, વૈશાલી ગરનાળું અને માઇમાતા ગરનાળામાં વરસાદ પડતા પાણીભરાયા હતા. પરંતુ વરસાદ બંધ થતા જ થોડા સમયમાં પાણી ઓસરી ગયા હતા. જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા વિજળી ગુલ થતા અંધારપટ છવાયો હતો. મોડી સાંજે પડેલા આ માવઠાને કારણે ખેતરમાં પડેલા પાકને ભારે નુકસાન થયુ હોવાનુ ખેડુતોએ જણાવ્યું હતુ.
જ્યારે મહેમદાવાદ શહેરમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડયો હતો. જેથી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.જો કે સવાર થતા પાણી ઓસર્યા હતા.તો ક્યાંક વરસતા વરસાદમાં નાના બાળકોએ વરસાદની મઝા માણી હતી. આમ જિલ્લામાં ગતમોડી રાત્રે આવી પહોચેલ મેઘ સવારીથી જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.એકતરફ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક અનુભવાતા ક્યાંક જીલ્લામાં કોરોનાના કેસો વધે તેવી આશંકાઓ જિલ્લાવાસીઓ સેવી રહ્યાં છે.