- મહિલાને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી
- મકાન ખાલી કરવા નોટિસ આપવા સાથે વીજ કનેક્શન પણ કાપ્યું છતાં મકાન પર કબજો જમાવ્યો
ખેડા તાલુકાના ચાંદાણામાં રહેતા નીલોફરબાનુ લિયાકતખાન પઠાણે વર્ષ-૨૦૨૨માં ખેડા શારોન પાર્ક સોસાયટીમાં રહેતા ભૂમિબેન સૌમીલભાઈ કિકાણી (રે.પાલડી- અમદાવાદ)નું મકાન રૂ. ૨૦ લાખમાં તા.૩૦/૧૨/૨૨ના રોજ દસ્તાવેજ કરી વેચાણ રાખ્યું હતું. ત્યારે મકાનમાં રહેતા અને અગાઉના મકાન માલિક જેઠાભાઈ માવજીભાઈ સોલંકી તથા ગીતાબેન જેઠાભાઈ સોલંકીએ ભાડા કરાર તા.૩૧/૧૦/૨૨ના રોજ પૂરો થાય છે જેથી બે મહિના આપો મકાન ખાલી કરી દઈશું તેમ જણાવ્યું હતું.
ત્યારબાદ મકાન વેચાણ રાખનાર નિલોફરબાનુએ ગીતાબેન સોલંકી અને તેમના પરિવારજનોને મકાન ખાલી કરવાનું કહેતા નવું મકાન વેચાણ લઈએ ત્યાં સુધી પાંચ મહિનાનો વધુ સમય મકાનમાં રહેવા માટે માંગી મકાન ખાલી કરવાની બાંહેધરી આપી હતી. ત્યારબાદ મે-૨૦૨૩માં ગીતાબેન સોલંકી અને જેઠાભાઈ માવજીભાઈ સોલંકીને મકાન ખાલી કરી આપવાનું કહેતા તેઓએ મકાન માલિક સાથે બોલાચાલી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
મકાન માલિકે વકીલ મારફતે મકાન ખાલી કરી કબ્જો સોંપવા નોટિસ આપવા સાથે વીજ કનેક્શન કપાવી નાખ્યું હતું. છતાં મકાન ખાલી કરતા ન હોવાથી નિલોફર પઠાણે જમીન પચાવી પાડવાના અધિનિયમ હેઠળ કલેકટર ખેડાને તા.૩૦/૧/૨૪ના રોજ અરજી કરી હતી. જેને ધ્યાનમાં લઇ કલેકટરે તા.૨૫/૭/૨૪થી લેન્ડ ગ્રેબિંગ હેઠળ મકાન બાબતે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા હુકમ કર્યો હતો. આ હુકમ આધારે નિલોફરબાનુ પઠાણે ફરિયાદ નોંધાવતા ખેડા ટાઉન પોલીસે જેઠાભાઈ માવજીભાઈ સોલંકી, ગીતાબેન જેઠાભાઈ સોલંકી, અનિલકુમાર જેઠાભાઇ સોલંકી, તેજલબેન અનિલ કુમાર, કિરણકુમાર જેઠાભાઇ સોલંકી, જાગૃતીબેન કિરણકુમાર સોલંકી તથા મનીષાબેન જેઠાભાઇ સોલંકી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


