Get The App

મહુધાના લલ્લુપુરા ગામે 39 લાખના રોડ ઉપર વર્ષમાં જ ભૂવા પડયા

Updated: Aug 3rd, 2024

GS TEAM

Google News
Google News
મહુધાના લલ્લુપુરા ગામે 39 લાખના રોડ ઉપર વર્ષમાં જ ભૂવા પડયા 1 - image

- ગરનાળા ઉપર ભૂવા પડતા પસાર થવું જોખમી

- 3 વર્ષની મર્યાદા છતા કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે વર્ષમાં તૂટેલા રોડને રિપેર કરવા માંગ

મહુધા : મહુધા તાલુકાના નાનીખડોલ ગામના તાબાના લલ્લુપુરા ગામમાં ગતવર્ષે ૩૯ લાખના ખર્ચે બનેલા ડામર રોડ ઉપર જ્યાં ગરનાળું બનાવવામાં આવ્યું છે. ત્યાં મોટો ભુવો પડયો છે. ત્યારે કોન્ટ્રાક્ટની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ત્રણ વર્ષની સમય મર્યાદાવાળો રોડ માત્ર વર્ષમાં જ તૂટી જતા કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું સમારકામ કરાય તેવી ગ્રામજનોની માંગણી છે.

મહુધા તાલુકાના નાનીખડોલ ગામ તાબેના લલ્લુપુરા ગામમાં ગતવર્ષે ૩૯ લાખમાં નીલકંઠ કંપની દ્વારા લંબાઈ ૦.૯૦૦ કિ.મી. એમએમજીએસવાઈ પેકેજ ૬૨માં બનાવવામાં આવેલો ડામર રોડ માત્રા એક જ વર્ષમાં તૂટી જતા સ્થાનિકો તેમજ ખેડૂતોને ખુબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. 

ત્યારે આ રોડનું નિર્માણ ૨૦૨૨માં શરૂ કરવામાં આવ્યું હતું અને ૨૦૨૩ના સાતમાં મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. એટલેકે માત્ર એક જ વર્ષમાં રોડ તૂટી પણ ગયો અને ભુવો પણ પડી જતા રોડના કામમાં કોનક્ટ્રાક્ટરે વેઠ ઉતારી હલકી કક્ષાના મટીરીયલથી કામ કર્યું હોવાનું સ્પષ્ટ જણાય છે. ત્યારે રોડ તૂટી ગયા બાદ સ્થાનિકોએ ગામના સરપંચને જાણ પણ કરી હતી, પરંતુ હજી સુધી તૂટેલા રોડ ઉપર કે રસ્તામાં પડેલા ભુવામાં કોઈ પણ જાતનું પુરાણ કરવામાં આવ્યું નથી. જેનેકારણે અજાણી વ્યક્તિઓ બાઈક લઇ જતા અચૂક આ જગ્યાએ પડી જાય છે અથવા પછડાય છે. 

ગઈ કાલે જ આવો બનાવ બન્યો હતો. રોડની નિભાવણી સમય મર્યાદા ત્રણ વર્ષની હોવાથી સત્વરે કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું સમારકામ કરાય તેવી ગ્રામજનોની માંગણી છે.