સેવાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દવાઓના અભાવે દર્દીઓને હાલાકી
- દુઃખાવા, વાગેલા અને દાઝેલા માટે દવાઓ ખૂટી
- 2.80 કરોડના એસએમસીમાં સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉક્ટરના અભાવે પ્રસૂતાઓ પણ ખાનગી દવાખાનામાં જવા મજબૂર
સેવાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્રનો લાભ આસપાસના લગભગ ૨૦થી ૨૫ જેટલા ગામડાઓના નાગરિકો લે છે. પરંતુ અહીં કેટલીક દવાઓ ઉપલબ્ધ નહીં હોવાની દર્દીઓ ફરિયાદ કરી રહ્યા છે. આ અંગે સામૂહિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટે જણાવ્યું હતું કે, કેટલીક દવાઓ જેવી કે દુઃખાવા માટે ડાઈકલો- જેલ, વાગેલા ઉપર લગાવા માટે સોફરામાયશીન તથા દાઝેલા માટે શિલ્વા આ દવાઓ હાલમાં ઉપલબ્ધ નથી.
આ અંગે ૧૫ દિવસ પહેલા જીએમએચસીએલ પાસે લેખિતમાં માગણી કરેલી છે, પરંતુ આજ દિન સુધી આ દવાનો જથ્થો મળ્યો નથી. તેમ જ કેટલીક ગંભીર રોગની દવાઓનો પણ મર્યાદિત સ્ટોક હોવાના કારણે દર્દીઓને ઓછા- વત્તા પ્રમાણમાં આપવામાં આવે છે. સરકાર તરફથી દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં આપવામાં આવે તો નાગરિકો સામૂહિક આરોગ્ય કેન્દ્રની સેવાનો પૂરેપૂરો લાભ લઈ શકે.
આ દવાખાનામાં સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર પણ નથી. જેના કારણે મહિલાઓની પ્રસુતી ના સમયે તેઓને બહાર બીજા દવાખાને મોકલવા પડતા હોય છે. જો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ત્રી રોગ ના નિષ્ણાત ની નિમણૂક કરવામાં આવે તો ગરીબ અને મધ્યમ વર્ગ તેનો પૂરતો લાભ લઈ શકે સાથે સાથે તેઓએ ખાનગી દવાખાનાનો સહારો લેવો ન પડે.