ચકલાસીમાં મકાનની દિવાલ ધરાશાયી થતા શ્રમજીવીનું મોત
નડિયાદ : નડિયાદ તાલુકાના ચકલાસી ચાવડાવાડ વિસ્તારમાં આજે સવારે એક જૂના જર્જરિત મકાનનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતુ.ત્યારે અચાનક કાચી દિવાલ ધરાશયી થતા ચાર શ્રમજીવીઓ દબાયા હતા જેમાંથી એકનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે.
નડિયાદ તાલુકાના ચકલાસી ચાવડાવાડ વિસ્તારમાં એક જર્જરિત રીત કાચા મકાનનું રીપેરીંગ કામ ચાલી રહ્યું હતુ.આ દરમિયાન આજે સવારે અચાનક કાચી દિવાલ ધડાકાભેર ધરાશયી થઈ ગઈ હતી. જેથી મકાનનું કામ કરી રહેલા ચાર જેટલા શ્રમજીવીઓ દટાઈ જતા અફડા તફડી મચી જવા પામી હતી.જેની જાણ થતા સ્થાનિક લોકોએ દોડી જઈ કાટમાળ ખસેડી દટાઈ ગયેલા શ્રમજીવીઓને બહાર કાઢયા હતા.
ગંભીર રીતે ઘવાયેલ શ્રમજીવીઓને તુરંત જ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જેમાં સઈદખાન બસીરખાન પઠાણ (ઉંમર વર્ષ ૩૦)રહે. મિત્રાલ તા.વસો ની હાલત ગંભીર હોઇ વધુ સારવાર માટે નડિયાદની રુદ્ર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળેલ છે.
આ યુવકનું મોત નીપજતા હોસ્પિટલ દ્વારા મસમોટું બિલ કાઢવામાં આવતા દર્દીના સગાસંબંધીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.આ બનાવ સંદર્ભે ચકલાસી નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરતા નિકુંજ રાઠવાએ આ અંગેની કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું હતુ. જ્યારે ચકલાસી પોલીસનો સંપર્ક કરતા પોલીસ કર્મચારી વર્દી નોંધવા હોસ્પિટલમાં ગયા હોવાનું જણાવ્યું હતું.