ખેડા જિલ્લાના વિવિધ તાલુકામાં રથયાત્રા મોકુફ રાખી મંદિરોમાં જ પરિક્રમા યોજાઈ
- નડિયાદ, મહેમદાવાદ સહિતનાં મંદિરોમાં સ્ટાફ, આગેવાનો અને પોલીસ કર્મચારીઓ જ હાજર રહ્યા
નડિયાદ, તા.23 જૂન 2020, મંગળવાર
ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ સહિત વિવિધ તાલુકાઓના મંદિરોમાં આજે રથયાત્રાનું આયોજન મૂલતવી રાખવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક મંદિરોમાં પરિસરમાં જ રથની પરિક્રમા કરી રથયાત્રા યોજાઇ હતી. જેમાં મંદિરના આગેવાનો, કર્મચારીઓ તથા પોલીસ સ્ટાફ સિવાય કોઈને પ્રવેશ આપવામાં આવ્યો નહતો.
કોરોનાના કહેર વચ્ચે રથયાત્રા પર કોર્ટે બ્રેક લગાવી છે. જેના કારણે નડિયાદ,મહેમદાવાદ સહિતના અનેક ગામોમાં આ વર્ષે રથયાત્રાનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું હતું. જીલ્લામાં અષાઢી બીજ નિમિત્તે વિવિધ મંદિરો, સંસ્થાઓ દ્વારા પરંપરાગત રીતે રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ એક જ દિવસ એવો હોય છે જ્યારે ભગવાન સામેથી શ્રધ્ધાળુઓેને દર્શન આપવા નગરચર્યાએ નીકળતા હોય છે. અને શ્રધ્ધાળુઓ પણ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.
પરંતુ આ વર્ષે કોરોનાના કહેરને કારણે જીલ્લાના મંદિરો દ્વારા સરકારી આદેશોનું પાલન કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદના મોટા નારણદેવ મંદિર, મહુધામાં ગોપાલજી મંદિર, રાજગામના લક્ષ્મીનારાયણ દેવ મંદિર વગેરે મંદિરોમાં રથયાત્રા મોકુફ રાખવામાં આવી હતી. જ્યારે મહેમદાવાદ સિધ્ધીવિનાયક મંદિર દ્વારા સરકારી ગાઈડલાઈન મુજબ રથયાત્રાનું આયોજન મોકુફ રાખ્યું હતું. પરંતુ મંદિર ટ્રસ્ટ દ્વારા સિધ્ધિવિનાયક મંદિર ફરતે અગીયાર વાર રથનીં પ્રદક્ષિણા કરવામાં આવી હતી. સતત સાતમા વર્ષે પરંપરા મુજબ રથયાત્રા યોજાઈ ન હતી માત્ર મંદિરની પ્રદક્ષિણા કરી રથયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી. આ અંગે મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, સવારે ૧૦ વાગ્યાની આસપાસ ભગવાન જગન્નાથનું પૂજન અર્ચન કરાયુંહતું. આ બાદ ભગવાનની રથમાં પધરામણી કરી સ્થાનિક ધારાસભ્યઅર્જુનસિંહ ચૌહાણ, પાલિકા પ્રમુખ મનીષા પાંડવના પ્રતિનિધિ કમલેશભાઈ પાંડવ, મંદિરનો સ્ટાફ, પૂજારી સહિત મંદિર પરિસરમાં રથની પ્રદક્ષિણા કરવામાં આવી હતી અને રથયાત્રાની પુર્ણાહૂતિ મંદિરમાં કરવામાં આવી હતી. રથને ખેંચવા માટે ઓછી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.